દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓની તારીખ હવે ગમે ત્યારે જાહેર થઇ શકે છે. તે વચ્ચે ચૂંટણી પંચે પ્રથમ વખત જાહેર કર્યું છે કે, મતદાર યાદીમાં નામ એ જે-તે વ્યકિત મતદાર છે તે આખરી પુરાવો ગણવામાં આવશે. કોઇ પાસે વોટર આઇડી હોય તેનો અર્થ એમ નથી કે તેને મતદાનનો અધિકાર મળી જાય છે.
દિલ્હીમાં હાલમાં જ આમ આદમી પાર્ટીએ એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપ અનેક વિસ્તારોમાં મતદાર યાદીમાં ચોક્કસ નામોની બાદબાકી કરી રહી છે અને અનેક નામો ઉમેરી રહી છે તે મુદ્દે રાજકીય વિવાદ સર્જાયા બાદ ચૂંટણી પંચે આજે જાહેર કર્યું છે કે તા.6 જાન્યુઆરી-2025ના રોજ દિલ્હીની ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને તેમાં જે નામ હશે તે મત આપવા માટે પાત્ર ગણાશે.
કોઇ પાસે વોટર આઇડી કાર્ડ હોય તેથી તેને આપોઆપ મતદાનનો અધિકાર મળી જતો નથી. ચૂંટણી પંચે જાહેર કર્યું કે, ચૂંટણી અધિકારીઓએ ઘરે-ઘરે જઇને મતદાર યાદીને આખરી સ્વરૂપ આપ્યું છે અને તા.1 ઓક્ટોબર-2024ના જેઓ 18 વર્ષના થયા છે તેઓને મતાધિકાર મળ્યો છે.
આ ઉપરાંત અન્ય સ્થળેથી આવેલાના નામ પણ ઉમેરાયા છે. જ્યારે અન્યત્ર ચાલ્યા ગયેલા કે મૃત્યુ પામેલા અથવા તો જેના નામો એકથી વધુ વિસ્તારમાં છે તેમની બાદબાકી કરી છે અને તેના આધાર મતદાર યાદી બહાર પાડવામાં આવશે. દિલ્હીમાં તા.6ના રોજ મતદારયાદીની પ્રસિદ્ધી બાદ ચૂંટણીની જાહેરાત થઇ શકે છે.