અમદાવાદનાં ખ્યાતિકાંડ બાદ સરકારી યોજનાના દુરૂપયોગ સાથે જબરો ખળભળાટ સર્જાયો જ છે ત્યારે ફાર્મા કંપનીઓ દ્વારા પણ તેઓની દવાનું વેચાણ વધારવા માટે તબીબોને અપાતી આડકતરી લાંચ-પ્રલોભનોનો મુદો ઉછળ્યો છે તબીબોને ફાર્મા કંપનીઓ તરફથી મોંઘી ગીફટ વિદેશ પ્રવાસ સામે મનાઈ ફરમાવીને આચારસંહીતા લાગુ કરી જ છે. છતાં છટકબારીઓ શોધીને આવા કારસ્તાનો થતા રહે છે. આવી છટકબારીનાં કિસ્સામાં સરકારે પ્રથમ વખત એકશન લીધા છે અને ફાર્મા કંપની સામે તપાસ શરૂ કરવામાં આવી છે.
મલ્ટીનેશનલ ફાર્મા કંપની એલબીઓ હેલ્થકેર દ્વારા 30 તબીબોને પેરીસ તથા મોનાકો લઈ જવામાં આવ્યા હતા. વધતી વય સામેની પ્રોડકટ બોટોકસ માટે જ્ઞાન વધારવાની સ્ટડી ટુરનું નામ આપવામાં આવ્યું હતું. કંપનીના તબીબો માટેનો આ પ્રવાસ આચારસંહીતાનો ભંગ ગણીને કંપની તથા પ્રવાસમાં સામેલ તબીબોની જવાબદારી નકકી કરવા ફાર્મા વિભાગ દ્વારા આદેશ કરાયો હતો.
કંપની દ્વારા 24 તબીબોને પેરીસ તથા 6 ને મોનાર્ક લઈ જવાયા હતા. ફાર્મા મંત્રાલય દ્વારા નેશનલ મેડીકલ કાઉન્સીલને પણ તબીબો સામે વ્યવસાયીક આચારસંહીતા ભંગ બદલ પગલા ભરવા કહેવામાં આવ્યું છે.
ફાર્માસ્યુટીકલ માર્કેટીંગ પ્રેકટીસ આચારસંહીતા હેઠળ તબીબોને વિદેશ પ્રવાસે લઈ જવા કે અન્ય પ્રલોભનો આપવા સામે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અમેરિકન ફાર્મા કંપની એલવીએની ભારતીય સબસીડીયરી કંપની 30 તબીબોને વિદેશ લઈ ગઈ હતી. ટીકીટ તથા હોટેલમાં રહેવા પાછળ રૂા.1.9 કરોડનો ખર્ચ કર્યો હતો. ફાર્મા મંત્રાલયે હાથ ધરેલા ઓડીટ દરમ્યાન આ ભાંડો ફૂટયો હતો. મંત્રાલય દ્વારા કંપનીને નોટીસ પાઠવવામાં આવી હતી.કંપનીએ જોકે આ પ્રવાસ કાયદા-નિયમોનાં દાયરામાં જ હોવાનો બચાવ કર્યો હતો.
કંપની દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સર્વીસનાં બદલામાં વળતર આપવા તબીબો સાથે વ્યવસાયીકો લેખીત કરાર કરવામાં આવ્યો હતો. કરારમાં જોકે ઉચ્ચ કક્ષાની તાલીમની જરૂરીયાત આવે તે માટે વિદેશ લઈ જવાની બાબતનો ઉલ્લેખ ન હોવાનું તપાસ ટીમે જાહેર કર્યું હતું. અને તેના આધારે પગલા લેવા સુચવ્યુ છે. આ પ્રકારની કાર્યવાહી તબીબોને પ્રલોભન આપવા સમાન જ ગણાવી હતી.
કંપનીને એવી ઓફર આપવામાં આવી હતી કે આચાર સંહીતા ભંગમાં જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.તેટલા નાણા સરકારી હોસ્પીટલોમાં સારવાર લેતા ગરીબ દર્દી પાછળ વાપરવામાં આવે છે.કંપનીએ સરકારની ઓફર ફગાવી દીધી હતી જેને પગલે નિયમભંગ બદલ ટેકસ જવાબદારી સહીતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ ફરીયાદ કાર્યવાહીની નકલ ફાર્મા ઉત્પાદકો સંગઠનને પણ મોકલવામાં આવી છે.