ચાલુ વર્ષે દેવઉઠી એકાદશી સાથે શરૂ થયેલી લગ્નસરાની સિઝનમાં સંખ્યાબંધ મૂહર્ત સાથે જ મોટી સંખ્યામાં લગ્ન આયોજનો થયા છે. દરમિયાન હવે રવિવારે રાત્રીએ ૧૦.૧૨ વાગ્યે સૂર્યદેવના ધન રાશીમાં પ્રવેશ સાથે જ ધનારક કમૂરતા શરૂ થશે. કમૂરતા વેળાએ લગ્નકાર્યો વર્જીત માનવામાં આવતા હોય લગ્નસરા આડે એક માસનો વિરામ રહેશે. ૧૪ જાન્યુઆરીએ મકર સંક્રાતિ સાથે કમૂરતા પૂરા થશે અને જાન્યુઆરી માસમાં ૯, ફેબ્રુઆરી માસમાં અધધધ ૧૫ મૂહર્ત સાથે લગ્નની શહેનાઇ ગૂંજશે.
જ્યોતિષ શાષા પ્રમાણે વર્ષ વેળાએ છ સંયોગમાં લગ્નકાર્યો થતા નથી. સૌપ્રથમ તો ચાતુર્માસ વેળાએ ચાર મહિનાનો બ્રેક રહે છે. વાસ્તવિકતામાં સંવત પ્રમાણે આ ચાર મહિના બાદ નવી લગ્નસરાની સિઝન શરૂ થાય છે. દેવપોઢી એકાદશીથી દેવઉઠી એકાદશી સુધીના ચાર મહિનામાં ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં પોઢી જતાં હોય લગ્નકાર્યો થતાં નથી. બાદમાં સૂર્યદેવ ધન રાશીમાં હોય ત્યારે ધનારક કમૂરતા અને મીન રાશીમાં હોય ત્યારે મીનારક કમૂરતા વેળાએ લગ્નો લેવાતા નથી. શુક્ર અને ગુરુનો અસ્ત હોય ત્યારે પણ લગ્નો થતાં નથી. હાલમાં ૧૫ ડિસેમ્બરના રોજ રાત્રીએ સૂર્યદેવ ધન રાશીમાં પ્રવેશ કરતા ધનારક કમૂરતા શરૂ થશે. મહારાજ કિરીટદત્ત શુક્લના જણાવ્યા મુજઅ, આ વખતે ૧૫ ડિસેમ્બરે બપોર સુધી મૂહર્ત છે. રાત્રીએ ૧૦.૧૨ વાગ્યે કમૂરતા શરૂ થશે. ત્યાર બાદ ૧૪ જાન્યુઆરીએ સવારે ૮.૫૬ વાગ્યે સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશ સાથે જ કમૂરતા પૂરા થશે. કમૂરતા બાદનું પહેલું મૂહર્ત ૧૬ જાન્યુઆરીએ છે. જાન્યુઆરી માસમાં ૧૬, ૧૭, ૧૯, ર૦, ૨૧, રર, ૨૪, ૨૬, ૩૦ જાન્યુઆરીના રોજ મૂહર્ત છે. જ્યારે ફેબ્રુઆરી માસમાં ૩,૪.૬,૭,૮,૧૨.૧૩,૧૬,૧૭,૧૯,૨૦,૨૧,૨ર, ૨૩ અને ૨૪ તારીખે મૂહર્ત છે.
ડિસેમ્બરના અંતમાં એનઆરઆઇ
પરિવારમાં લગ્નોની મૌસમ જોવા મળશે
સુરત અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં એનઆરઆઇ પરિવારો રહે છે. સામાન્યપણે ડિસેમ્બર માસના અંતમાં કેનેડા, અમેરીકા સહિતના દેશોમાં ક્રિસમસ વેકેશન પડે છે. તે વેળાએ ત્યાં ઓફિસો, શાળા-કોલેજોમાં એક મહિના સુધીનું વેકેશન હોય છે. આ દિવસોમાં એનઆરઆઇ પરિવારો સુરત, દક્ષિણ ગુજરાતમાં આવીને પોતાના સંતાનોના લગ્ન આયોજનો કરતા હોય છે. આ સ્થિતિમાં ડિસેમ્બર માસના અંતમાં એનઆરઆઇ લગ્નોની મૌસમ જોવા મળશે. કમૂરતા હોવા છતાં સંજોગ અને સ્થિતિને જોતાં ડિસેમ્બરના રપથી ૩૧ તારીખ સુધીમાં એનઆરઆઇ પરિવારોમાં ભવ્ય લગ્ન આયોજનો થશે.
સગવડીયો જુગાડ, ૧૫મી પહેલા લગ્ન અને પછી રીસેપ્શન
ચાલુ વર્ષે લગ્નસરામાં સંખ્યાબંધ મૂહર્ત સાથે જ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને પણ બુસ્ટર ડોઝ મળ્યો છે. દરમિયાન ઘણા કિસ્સાઓમાં કમૂરતા પહેલા લગ્ન બાદ ૧૫થી ૨૫ તારીખ સુધીમાં ભવ્ય રીસેપ્સનના આયોજનો કરાયા હોય લગ્ન પ્રસંગોની ધૂમ યથાવત રહેશે. મળતી માહિતી મુજબ લગ્ન વિધી માટે ક્મુરતા પર વિશેષ ઘ્યાન રાખવામાં આવે છે. ૧૫મીના રવિવારે બપોર સુધીના મુહર્ત હોવાથી લગ્નના સાત ફેરા લઇ લેવામાં આવે છે. જ્યારે રિસેપ્સન સેરેમની માટે પાછળની તારીખ નક્કી કરાઇ છે. આ તારીખોમાં લગ્ન ન હોવાથી ભવ્ય રીતે સેરેમની યોજી શકાય છે.