અમદાવાદમાં દર્દીઓની બીનજરૂરી સર્જરી કરીને કેન્દ્રની પીએમજેએવાય યોજનાના કરોડો રૂપિયા કટકટાવવાના ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડથી ભીંસમાં આવેલી રાજ્ય સરકારે વિવિધ હોસ્પિટલોમાં ચેકિંગ શરૂ કર્યું જ છે. છેલ્લા એક સપ્તાહની તપાસમાં પાંચ હોસ્પીટલો તથા બે તબીબોને ગેરરીતિ બદલ યોજનામાંથી સસ્પેન્ડ કરાયા છે.
બે હોસ્પીટલ તથા 65 લાખની રિકવરી પેનલ્ટી નોટીસ પણ ફટકારવામાં આવી છે. 150થી વધુ રીપોર્ટમાં છેડછાડ સહિતની ગેરરીતિનો ખુલાસો થયો હતો. પાટણ જિલ્લાની હિર ચિલ્ડ્રન હોસ્પિટલ , નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં વિવિધ ત્રુટીઓ અને ગેરરીતિ જણાઇ આવતા PMJAYમા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
પાટણની હિર હોસ્પિટલમાં મુલાકાત દરમિયાન પ્રી-ઓથ દરમિયાન કુલ 91 જેટલા લેબ રિપોર્ટમાં છેડછાડ અને નિઓનેટલ કેરમાં હાયર પેકેજ સિલેક્ટ કર્યા હોવાનું માલુમ પડ્યું . જેથી હિર હોસ્પિટલ અને તેમાં ફરજરત ડો. હિરેન પટેલને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેલ્થ સ્પ્રિંગ 24 પેથોલોજી લેબોરેટરી પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા છે. વધુમાં હોસ્પિટલમાં રૂ. 50,27,700ની રીકવરી અને પેનલ્ટી પણ કરાઇ છે.
પાટણની નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીયોનેટલ કેર સેન્ટરમાં પ્રિ-ઓથ દરમિયાન કુલ 60 જેટલા રિપોર્ટમાં છેડછાડ અને હોસ્પિટલ દ્વારા જે લેબોરેટરીનું ટાઇઅપ કરેલ છે તેમની પાસે દર્દીના લેબ રીપોર્ટ માંગવામાં આવતા રીપોર્ટ ઉપલબ્ધ ન હોવાનું જણાઇ આવ્યું. જેથી હોસ્પિટલ તેમજ હોસ્પિટલમાં ફરજરત ડો. દિવ્યેશ શાહને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વધુમાં શિવ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી, પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાઇ છે. હોસ્પિટલને કુલ રૂ. 15,16,350ની રીકવરી અને પેનલ્ટી પણ કરવામાં આવી છે. દાહોદની સોનલ હોસ્પિટલમાં યોજનાની માર્ગદર્શિકા મુજબ મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાનું અને ઇન્ફેક્શન કંટ્રોલને લગતી કામગીરીમાં પણ ઉણપ હોવાનું જણાતા આ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરાઇ છે.
અમદાવાદની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલમાં ચોથા અને પાંચમાં માળનું બી.યુ. પરમિશન ન હોવાનું, માર્ગદર્શિકા મુજબ સ્ટાફ અને મોડ્યુલર ઓટીનો અભાવ તેમજ કેટલીક એકક્ષાપયરી વાળી દવાનો જથ્થો જણાઇ આવતા હોસ્પિટલને બી.યુ. પરમીશન ન મળે તેમજ ઉક્ત ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાઇ છે.
અરવલ્લીની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સર્ટીફિકેટ એક્સપાયર્ડ, તેમજ એન.આઇ.સી.યુ.માં માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થા જણાઇ ન આવતા આ હોસ્પિટલને પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન મળે તેમજ જણાઇ આવેલ ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે.