ગાંધીના ગુજરાતમાં કાગળ પર રહેલા દારૂબંધી વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલે (એસએમસી) દક્ષિણ ગુજરાતમાંથી પોણા ત્રણ કરોડની કિંમતના દારૂનો જથ્થા સાથે કુલ 6 કરોડની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને સુરત પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.
સુરત શહેર મીડિયા સેલના કો-ઓર્ડિનેટર કલ્પેશ બારોટે 14મી એપ્રિલ 2024ના રોજ ગૃહ વિભાગને પત્ર લખીને દારૂબંધી અટકાવવા માંગ કરી હતી. આ સંદર્ભે સાત મહિના બાદ એસએમસીના ડીસીપી નિર્લિપ્ત રાયે પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી તેમજ સામાન્ય દિવસોમાં દારૂબંધીનું ચુસ્ત અમલ કરાવવા માટે એસએમસીએ સુરત શહેરમાં પ્રોહિબિશનના 7 કેસ કરીને 3 બુટલેગરો વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. જેમાં કુલ 25,11,990 રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કરીને સુરત પોલીસની નાક વાઢી નાંખી હતી.
દારૂની રેલમછેલ માટે કુખ્યાત સુરત શહેરમાં બુટલેગરો તેમજ કેરિયરોનો રાફડો ફાટ્યો છે. કારમાં ગુપ્ત ખાનાથી માંડીને શરીરે નાની-નાની બોટલો બાંધીને દારૂ ઘુસાડવાના ષડયંત્રનો વારંવાર પર્દાફાશ થયો હોવા છતાં સુરતમાંથી દારૂની બદી ઓછી થઈ નથી. આવા સંજોગોમાં એસએમસીએ લાલ આંખ કરીને સપાટો બોલાવી દીધો હતો. એસએમસીએ આપેલી માહિતી મુજબ સુરત શહેર સિવાય સુરત ગ્રામ્યમાંથી 74.63 લાખનો દારૂનો જથ્થો કબજે કરીને 1 બુટલેગર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ સિવાય તાપી જિલ્લામાંથી રૂ. 4.34 લાખ, વલસાડ જિલ્લામાંથી 12.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે ઉપરાંત સુરત શહેર, ગ્રામ્ય, નવસારી, વલસાડ, ડાંગ તેમજ તાપી જિલ્લામાં કુલ્લે 48 કેસ ઠોકીને દક્ષિણ ગુજરાતના બુટલેગરો તેમજ પોલીસમાં ફફડાટ ફેલાવી દીધો હતો. એસએમસીએ કુલ 27 બુટલેગરો વિરૂદ્ધ કાર્યવાહી કરીને 2.75 કરોડનો દારૂ તેમજ મુદ્દામાલ મળીને કુલ્લે 8.65 કરોડ રૂપિયાનો જથ્થો કબજે કર્યો હતો.
ચાર વર્ષથી ફરાર બુટલેગરને સુરત પોલીસ પકડી ન શકી
સુરત શહેરના લિસ્ટેડ બુટલેગરોમાં સામેલ મોહમ્મદ વસીમ ઉર્ફે લાવારીસ નબીઉલ્લા વર્ષ 2020થી તાપી જિલ્લામાં વોન્ટેડ હતો જ્યારે કેશવ ર્ફે ગોપાલ દુલાલચંદ રાઉલ વર્ષ 2021થી ફરાર હતો. તેની સામે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દર્જ થયો હતો પરંતુ સુરત પોલીસ તેને પકડી શકી ન હતી. છેવટે એસએમસીએ કેશવ તેમજ લાવારીસની ધરપકડ કરીને સુરત પોલીસને કડક સંદેશો આપ્યો હતો કે જો વોન્ટેડ બુટલેગરો વિરૂદ્ધ સ્થાનિક પોલીસ કાર્યવાહી નહી કરે તો એસએમસીની ટીમ કાર્યવાહી માટે તૈયાર છે. ચાર વર્ષ સુધી ફરારી જીવન દરમિયાન પણ કેશન અને લાવારીસનો ધંધો બંધ થયો ન હતો અને તેઓ બેરોકટોક બુટલેગિંગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા.
31ર્સ્ટ માટે ખાસ તૈયારી કરવા માંગ
કોંગ્રેસ સમિતિના દક્ષિણ ગુજરાતના મીડિયા કો-ઓર્ડિનેટર કલ્પેશ બારોટે માંગ કરી છેકે તાજેતરમાં 31ર્સ્ટ ડિસેમ્બર આવી રહી છે. જેમાં કેટલાંક શોખિનોને કારણે સુરત શહેર તેમજ પોલીસની છબિ ખરડાય છે. આવા શોખિનો માટે બુટલેગરો વિશેષ સેવા પુરી પાડીને ચોરીછુપે દારૂનો જથ્થો પહોંચાડતા હોય છે. જેથી 31ર્સ્ટના તહેવાર માટે વિશેષ ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવે. લિસ્ટેડ બુટલેગરો તેમજ ખેપીયાઓ પર અંકુશ લાદવામાં આવે અને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ખરા અર્થમાં દારૂબંધીનો અમલ કરવામાં આવે એવી કોંગ્રેસના પ્રવક્તા દ્વારા માંગ કરવામાં આવી છે.
ક્યાંથી કેટલો દારૂનો જથ્થો પકડાયો
સુરત 25,11,000
સુરત ગ્રામ્ય 63,92,604
નવસારી 74,63,136
તાપી 4,34,070
વલસાડ 12,55,320
કલ્પેશ બારોટ, મીડિયા કો-ઓર્ડિનેટર, દક્ષિણ ગુજરાત. કોંગ્રેસ સમિતિ