ઈ-કેવાયસીની લાઈનો જોતા વહીવટમાં આઈ.ટીના ઉપયોગની સફળતા સામે પણ સવાલ : અમૃત યોજનામાં 3 વર્ષમાં 5000 કરોડ ખર્ચાયા
ગુજરાતના છ શહેરો પાછળ સ્માર્ટ સિટી બનાવવા માટે રાજય અને કેન્દ્ર સરકારે 10 હજાર કરોડ રૂપિયા કરતાં વધુ રકમ અત્યાર સુધી 339 પૂર્ણ થયેલા પ્રોજેકટ પાછળ ખર્ચી છે. પરંતુ ભયંકર ટ્રાફીક જામ, ઠેરઠેર દબાણો, ઈ-કેવાયસી કરાવવા જંગી લાઈનો, પ્રદુષણ સહીત અનેક સમસ્યાઓ ઠેરની ઠેર રહી છે. આગામી સમયમાં કાર્યરત 15 પ્રોજેકટ પાછળ વધુ રૂા.627.22 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
વધતા જતા શહેરીકરણને ધ્યાનમાં રાખીને દેશભરના 100 શહેરને તબકકાવાર સ્માર્ટ સીટી બનાવવા સ્માર્ટ સીટી મીશન ચાલી રહ્યું છે.જેમાં કેન્દ્ર અને રાજય સરકાર આ માટે થતા ખર્ચ પાછળ રકમ આપે છે. રૂા.11,451,36 કરોડના ખર્ચે હાથ ધરાયા છે. જેમાં અત્યાર સુધીમાં 339 પૂર્ણ થયેલા પ્રોજેકટ પાછળ રૂા.10,824 કરોડ વપરાયા છે.
ગુજરાતમાં સ્માર્ટ સીટીમાં અમદાવાદ, દાહોદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, અને વડોદરાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત કેન્દ્ર સરકારની અમૃત યોજના (અટલ નવીનીકરણ અને શહેરી પરિવર્તન મિશન) પાછળ છેલ્લા 3 વર્ષમાં 451 પ્રોજેકટ પાછળ રૂા.5165.96 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
અમૃત યોજનામાં શહેરોના ઝુંપડપટ્ટી વિસ્તારો અને ઓછી આવક ધરાવતા વર્ગ માટે ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતના પ્રોજેકટ તૈયાર કરવા, વરસાદી પાણીનો નિકાલ, પીવાના પાણીની વ્યવસ્થા, સીવરેજ ગ્રીન એરીયા-બગીચા, વગેરે કામોનો સમાવેશ થાય છે.