ફૂડટેક અને ઓનલાઈન શોપિંગ જેવી કંપનીઓએ દેશમાં લાખો લોકોને ડિલિવરી પાર્ટનર તરીકે રોજગારી પૂરી પાડી છે. તેઓને ગિગ વર્કર્સ પણ કહેવામાં આવે છે. સ્વિગી, ઝોમેટો, એમેઝોન, ફિ્લપકાર્ટ, ઉબેર, ઓલા અને મિશો જેવી મોટી કંપનીઓ મોટા પાયે ગિગ વર્કર્સને નોકરીઓ પૂરી પાડવામાં સામેલ છે. હવે આ કંપનીઓ પાસેથી ગિગ વર્કર્સના નામે વેલફેર ફી વસૂલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો આ નિર્ણય લેવામાં આવે તો આ કંપનીઓ આ ફીનો બોજ ગ્રાહકો પર નાખે એવી શકયતા છે.
જોકે આ તૈયારી કર્ણાટકમાં થઈ રહી છે. કર્ણાટક સરકારે ગિગ વર્કર્સ બિલ, ૨૦૨૪ તૈયાર કર્યું છે. સરકાર આ કાયદા હેઠળ આ એગ્રિગેટર પ્લેટફોર્મ પર ૧થી ૨ ટકા ફી લાદી શકે છે. આગામી સપ્તાહે યોજાનારી સમિતિ સ્તરની બેઠક બાદ આ અંગેની જાહેરાત થાય એવી શકયતા છે. દરેક કંપની જેમાં ગિગ વર્કર્સ કામ કરે છે તે આ નિયમના દાયરામાં આવશે.
આ ડ્રાફ્ટ બિલ અનુસાર રાજ્ય સરકાર ગિગ વર્કર્સ માટે ફંડ બનાવશે. તે કર્ણાટક ગિગ વર્કર્સ સામાજિક સુરક્ષા અને કલ્યાણ ફંડ તરીકે ઓળખાશે. આ ફંડ માટે તમામ એગ્રિગેટર કંપનીઓ પાસેથી વેલફેર ફી વસૂલવામાં આવશે. આ ડ્રાફ્ટ બિલ અનુસાર દરેક કંપનીએ આ ફી ક્વાર્ટરના અંતે સરકારને ચૂકવવાની રહેશે.
ઘણા સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્નના જૂથે આ બિલને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે સરકારને કહ્યું હતું કે આવા કાયદાથી રાજ્યમાં બિઝનેસ કરવાની સરળતાના વિચારને નુકસાન થશે. આનાથી સ્ટાર્ટઅપ અર્થતંત્ર પર બિનજરૂરી દબાણ આવશે અને નાણાકીય બોજ પણ વધશે. આ જૂથે CII, Nasscom અને IAMAI દ્વારા સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો છે.