અમદાવાદઃ સાયબર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ દ્વારા મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કરીને 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ચાર તાઈવાનના નાગરિકો પણ સામેલ છે. આ ટોળકી ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે લોકોને છેતરતી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ગુનેગારો સરકારી અધિકારીઓ હોવાનો ઢોંગ કરીને લોકોને ડરાવતા હતા અને પછી તેમની પાસેથી મોટી રકમની ઉચાપત કરતા હતા. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક વૃદ્ધે પોલીસમાં ફરિયાદ નોંધાવી. તેણે કહ્યું કે કેટલાક લોકો તેને ટ્રાઈ, સીબીઆઈ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચના ઓફિસર હોવાનો ઢોંગ કરીને ડરાવતા હતા. આ ગુનેગારો તેમના પર આરોપ લગાવી રહ્યા હતા કે તેમના બેંક ખાતામાંથી ગેરકાયદેસર વ્યવહારો કરવામાં આવી રહ્યા છે. ડરના કારણે, તેણે ગુનેગારોના કહેવા પર 79.34 લાખ રૂપિયા જુદા જુદા બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા.
આ રીતે પડાવતા હતા પૈસા
પોલીસે જણાવ્યું હતું કે ગેંગ પીડિતોની ‘ડિજિટલ અરેસ્ટ’ કરતી હતી. તેઓ વીડિયો કોલ દ્વારા પીડિતો પર નજર રાખતા હતા અને તેમને ધાકધમકી આપી પૈસાની માંગણી કરતા હતા. પોલીસ કમિશનર શરદ સિંઘલે કહ્યું, ‘પીડિત વૃદ્ધે ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક લોકો પોતાને ટ્રાઈ, સીબીઆઈ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારી ગણાવતા હતા. તેઓ આરોપ લગાવતા હતા કે તેમના બેંક ખાતામાંથી ગેરકાયદેસર વ્યવહારો થઈ રહ્યા છે.
6 રાજ્યોમાં દરોડા
સિંઘલે કહ્યું, ‘ફરિયાદ મળ્યા બાદ અમારી ટીમ એક્શનમાં આવી ગઈ અને ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક, ઓડિશા અને મહારાષ્ટ્રમાં દરોડા પાડવામાં આવ્યા. આ કાર્યવાહીમાં ચાર તાઈવાનના નાગરિકો સહિત 17 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અમને લાગે છે કે આ ગેંગે અત્યાર સુધીમાં લગભગ 1,000 લોકોને પોતાનો શિકાર બનાવ્યા હશે.
આ ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી
ધરપકડ કરાયેલા તાઈવાનના નાગરિકોની ઓળખ મૂ ચી સુંગ (42), ચાંગ હુ યુન (33), વાંગ ચુન વેઈ (26) અને શેન વેઈ (35) તરીકે થઈ છે. બાકીના 13 આરોપીઓ ગુજરાત, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા અને રાજસ્થાનના રહેવાસી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ચાર તાઈવાનના નાગરિકો છેલ્લા એક વર્ષથી ભારતમાં આવતા-જતા હતા. તેણે જ ગેંગના બાકીના સભ્યોને પૈસાની લેવડ-દેવડ માટે મોબાઈલ એપ અને અન્ય ટેક્નિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો.
ફ્રોડ એપ જાતે બનાવી હતી
સિંઘલે કહ્યું, ‘આ ગેંગ જે મોબાઈલ એપ્સનો ઉપયોગ કરી રહી હતી તે તાઈવાનના આ ચાર લોકોએ બનાવી હતી. તેઓએ તેમની સિસ્ટમમાં ઓનલાઈન વોલેટ પણ ઉમેર્યા હતા. પીડિતો પાસેથી મળેલા પૈસા આ એપ દ્વારા દુબઈના અન્ય બેંક એકાઉન્ટ અને ક્રિપ્ટો એકાઉન્ટમાં મોકલવામાં આવ્યા હતા. તેઓ દરેક ટ્રાન્ઝેક્શન પર કમિશન મેળવતા હતા, જે હવાલા દ્વારા આપવામાં આવતું હતું.
પોલીસે જણાવ્યું કે આ ટોળકી અલગ-અલગ કોલ સેન્ટરોથી કામ કરતી હતી. દરોડા દરમિયાન પોલીસે 12.75 લાખ રૂપિયા રોકડા, 761 સિમ કાર્ડ, 120 મોબાઈલ ફોન, 96 ચેકબુક, 92 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ અને 42 બેંક પાસબુક જપ્ત કરી છે.