- જામનગરના કલાકારે માટીને આકાર આપી ગરબા તૈયાર કર્યા : પરિવારની મહિલા સભ્યો પોતાની કલાથી ગરબાને બનાવે છે મનમોહક
નવરાત્રીના તહેવાર આ લાંબા ધાર્મિક પર્વની ઉજવણી કરવા માટે ભકતોમાં ઉત્સાહ છે. તો પર્વમાં જોઈતી વસ્તુઓને નવા રંગરૂપ આપીને ખાસ તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને માટીના ગરબા. જે અગાઉ માત્ર લાલ કે ગેરૂ કલરના મળતા. જેમાં હવે છેલ્લા કેટલાક વર્ષોથી નવિનીકરણ આવ્યુ છે.
નવરાત્રીના પર્વમાં માતાજીની પુજા-આરાધના કરવામાં આવે છે. જેમાં ગરબાનો ઉપયોગ થાય છે. કલાકારો માટીના ગરબા તૈયાર કરવા માટે નવરાત્રીના 6 માસ પહેલાથી મહેનત શરૂ કરી દે છે.
જામનગરના ગુલાબનગર ઓવરબ્રીજ નજીક રહેતા કલાકાર હરકિશન પ્રજાપતિ દ્રારા ખાસ પ્રકારની માટીથી માટીના ગરબા તૈયાર કરે છે. માટીના ગરબા તૈયાર કરવા માટે ચાકડામાં ઈલેક્ટ્રીક મોટરની મદદથી માટીને આકાર આપીને ગરબા તૈયાર કરવામાં આવે છે. જેને સુકવવા માટે કેટલાક દિવસો સુધી રાખવા પડે છે. માટીને ગરબાનો આકાર આપ્યા બાદ સુકાય જાય ત્યારે તેને ફરી બીજા આધુનિક મશીનમાં તેને રંગ કરવામાં આવે છે. જેમાં મોટાભાગના ગરબા વધુ રંગ કલરના હોય છે. આ ઉપરાંત પણ અલગ-અલગ કલર અને ડીઝાઈનના ગરબા તૈયાર કર્યા છે.
ગરબા તૈયાર કરવા માટે દૈનિક 10 થી 12 કલાક મહેનત કરે છે. સામાન્ય રીતે એક ગરબાને તૈયાર કરતા 3 દિવસ જેવો સમય લાગે છે. અને ત્રણ દિવસે બંન્નેની 10થી 12 કલાકની મહેનતથી આશરે 70થી 80 ગરબા તૈયાર થાય છે. અગાઉ માત્ર ગરબાને સાદા કલર જ કરાતા. હવે તેમાં અવનવી ડીઝાઈન, પેન્ટીંગ કરવામાં આવે છે. છેલ્લા કેટલા વર્ષોથી તો ગરબામાં આભુષણથી સુશોભિત કરવામાં આવેલ છે.
આ પરીવાર દ્રારા તૈયાર કરાયેલ ગરબાને જથ્થાબંધ વેચાણ કરવામાં આવે છે. હરકિશન પ્રજાપતિ પોતાને મળેળી વારસાની કળાથી ગરબા બનાવે છે. સાથે અનેકને રોજગારી પણ આપવામાં મદદરૂપ થાય છે. કેટલીક મહિલાઓને ગરબાને સુશોભિત કરવાનુ કામ આપે છે. અને જથ્થાબંધ તૈયાર ગરબા આપીને વેચાણ કરતા નાના-મોટો વેપાર કરીને રોજગારી કેટલાક લોકો મેળવતા હોય છે.
પહેલા માત્ર માટીના બનતા ગરબામાં લાલ કે ગેરૂ રંગના જોવા મળતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગરબામાં વિવિધ રંગોનો ઉપયોગ કરીને તેને સુશોભિત કરવામાં આવે છે. તેમાં આંભલા, ટીકી, સિતારા, મોતી સહીતના આભુષણોથી ગરબાને તૈયાર કરવામાં આવ્યા છે. આ ગરબા રૂપિયા 25 થી લઈને 1500 રૂપિયા સુધીના વેચાય છે.
અગાઉ માત્ર માટીના એક જ પ્રકારના ગરબા બજારમાં મળતા. તેથી નવરાત્રીના એકાદ દિવસ પહેલા ખરીદી થતી. પરંતુ નવી પેઢી પોતાના ગરબાને બીજા કરતા અલગ તેમજ પોતાની પસંદગી મુજબ ગરબા લેવાનુ પસંદ કરતા હોય તેથી નવરાત્રી પહેલા ઓર્ડર આપતા હોય છે. અથવા બજાર મળતા નવી ડીઝાઈન અને અલગ કલરના ગરબા ખરીદતા હોય છે.
નવરાત્રી પર્વમાં ગરબાનુ વેચાણ તો થાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રંગબેરંગી ગરબાની માંગ વધી છે. અને કલાકારો પણ દર વખતે ગરબામાં નવીનિકરણ કરીને નવી ડીઝાઈન સાથે ગરબા તૈયાર કરે છે. પ્રજાપતિ પરીવાર માટીથી ગરબા બનાવીને તેને આકર્ષક ડિઝાઈન, રંગથી સુશોભિત કરે છે. જેની નવરાત્રી દરમિયાન ખુબ માંગ રહેતી હોય છે.