રાષ્ટ્રીય સરેરાશ 77.2 ટકા : ગુજરાતમાં 75.7 ટકા : દિવ-દમણમાં ગુજરાત કરતાં વધુ ડિજિટલ પેમેન્ટ જાગૃતિ છે : દિલ્હી અને હરિયાણા દેશમાં ટોચ પર છે : ગુજરાતના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં હજુ પણ ડિજિટલ છેતરપિંડીના ભયને કારણે રોકડ પર આધાર રાખે છે
દેશમાં વ્યાપાર-ઉદ્યોગથી લઇ મૂડી રોકાણ અને આમ આદમી દ્વારા પણ ડિજીટલ ટેકનોલોજીથી નાણાકીય સહિતના વ્યવહારોમાં સતત વધારા થતા પણ ડિજીટલ પેમેન્ટ અવેરનેસ એટલે કે ઓનલાઇનથી લઇ યુપીઆઇ સહિતના માધ્યમથી થતા પેમેન્ટ અંગેની જાગૃતિમાં ગુજરાત દેશમાં તળીયાના સ્થાને છે અને તેના કારણે જ ગુજરાતમાં સાયબર ફ્રોડની સંખ્યા સતત વધતી જાય છે.
હાલમાં જ બહાર પડેલા એક ડેટા મુજબ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જણાવાયું છે કે, ડિજીટલ અવેરનેસમાં રાષ્ટ્રીય સરેરાશ 77.2 ટકા છે જયારે ગુજરાતમાં તે 75.7 ટકા છે. આ એક આશ્ચર્યજનક તારણ છે. ગુજરાતે એક વિકસીત રાજય તરીકે અને શિક્ષીત રાજય તરીકે પણ જાણીતું છે.
ઉપરાંત અહીં ડિજીટલ ટેકનોલોજીથી જાણકાર લોકોની સંખ્યા પણ મોટી છે. પરંતુ આર્થિક વિકાસની સાથે લોકો વધુને વધુ ડિજીટલ બની રહ્યા છે. પરંતુ તેમાં લોકોની સાવધાની કે સાવચેતીના અભાવે તેઓ ઝડપથી ફ્રોડનો ભોગ બને છે. રાજયમાં આગામી સમયમાં મૂડી રોકાણ સહિતના ક્ષેત્રે પણ વધુ સારી સ્થિતિ બની શકે છે.
રીઝર્વ બેંકનો રીપોર્ટ કહે છે કે દિલ્હી, હરીયાણા ડિજીટલ અવેરનેસમાં દેશના ટોચના સ્થાને છે જે અનુક્રમે 93.7 ટકા અને 93.3 ટકા અવેરનેસ નોંધાઇ હતી. રસપ્રદ બાબત એ છે કે ગુજરાતના જ પાડોશી દમણ અને દીવમાં પણ ડિજીટલ અવેરનેસ વધુ છે. જે 92.1 ટક નોંધાયુ છે. આમ કેન્દ્ર શાસિત પ્રદેશ પણ વધુ અવેરનેસ ધરાવે છે.
આ સર્વેના જણાવ્યા મુજબ દેશમાં 36.1 ટકા લોકો હવે સામાન્ય ખરીદીમાં પણ ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. જયારે 41 ટકા લોકો કમસે કમ એક વખત આ પ્રકારે પેમેન્ટ સિસ્ટમમાં આવ્યા બાદ ફરી કેશ કે બેન્કીંગ સિસ્ટમ ભણી ચાલ્યા ગયા હતા. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ડિજીટલ અવેરનેસ ઓછી છે કારણ કે ગુજરાતીઓ રોકડ વ્યવહાર વધુ પસંદ કરે છે.
ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં આ પ્રથમ હજુ ચાલુ છે. ગુજરાતીઓ નાના નાના વ્યાપારમાં રોકડ લેવડ દેવડ કરીને સરકારી સિસ્ટમમાંથી બચવાનો પ્રયત્ન કરે છે. યુપીઆઇ મારફત પેમેન્ટ વધુ છે. પરંતુ તેની સાથે ડિજીટલ પેમેન્ટમાં અનેક વખત ચાર્જ પણ લાગતા હોય છે જે ટાળવા માટે પણ આ પ્રકારના ગુજરાતીઓ ડિજીટલના બદલે રોકડ પેમેન્ટ ભણી જાય છે.