સુરતઃ કલકત્તા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને OPD તથા વોર્ડ સર્વિસથી દૂર રહેશે. જો કે, ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં કેટલીક ઓપીડી ચાલુ થઈ છે. જો કે, રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી. ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે. ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ છે.
બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલમાં 18 ઓપીડીમાં ફરજ બજાવતા તબીબો ઇમર્જન્સી સેવા સિવાયની તમામ સેવાઓથી વંચિત રહેશે. હાલ તબીબો મેડિકલ કોલેજ આગળ વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા છે. જ્યારે અમદાવાદ અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજોમાં મોટી સંખ્યામાં ડોક્ટરો એકત્ર થઈ વી ફોર જસ્ટીસ, તાનાશાહી નહીં ચલેગીના સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ડોક્ટરોએ રોષ ઠાલવી કહ્યું હતું કે, જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી હડતાળ પર રહીશું.
કલકત્તા ડોક્ટરની હત્યાને લઈને દિલ્હીમાં આજે ફરી ડોક્ટરોની હડતાળ, વિરોધ પ્રદર્શન કરશે
AIIMS દિલ્હી, SJH, MAMC સહિત રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા એક વ્યાપક સંયુક્ત બેઠક યોજાઈ હતી. વ્યાપક ચર્ચા પછી, સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો કે સમગ્ર દિલ્હીમાં તમામ RDAs 16મી ઓગસ્ટ, 2024ના રોજ બપોરે 2 વાગ્યાથી નવી દિલ્હીના નિર્માણ ભવન ખાતે સંયુક્ત વિરોધ કૂચ કરશે. બીજી તરફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (JIMS)ના મેડિકલ વિદ્યાર્થીઓએ ઓપીડી બંધ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બીજી તરફ, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA), દિલ્હી મેડિકલ એસોસિએશન્સ (DMA), તમામ હેલ્થકેર સંસ્થાઓ અને ખાનગી ડૉક્ટરોએ 16 ઓગસ્ટ 2024ના રોજ સાંજે 6 વાગ્યે ઈન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ કાઢવાનો નિર્ણય કર્યો છે. આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ રેપ-મર્ડર કેસને લઈને દિલ્હી મેડિકલ એસોસિએશનની બેઠક અંગે ડીએમએના પ્રમુખ ડૉ. ગિરીશ ત્યાગીએ કહ્યું કે આ ખૂબ જ શરમજનક ઘટના છે. દિલ્હી મેડિકલ એસોસિએશન પીડિતા અને તેના પરિવાર સાથે છે. આજે સાંજે 5 વાગ્યે ઈન્ડિયા ગેટ ખાતે કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે. 17 ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી 24 કલાક માટે હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. હડતાળના આગામી તબક્કામાં ઇમરજન્સી સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવશે.