- સુરત જિલ્લામાં આગળ વધતુ પ્રાકૃતિક ખેતી અભિયાન
- સ્વસહાય જુથની ૬૦ બહેનોએ ભાગ લીધો
- મહુવા તાલુકાના સણવલ્લા ખાતે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ શિબિર યોજયો
સુરત- રસાયણમુકત પ્રાકૃતિક ખેતીને વેગવાન બનાવવા માટે કૃષિના મહા અભિયાન હેઠળ પ્રાકૃતિક કૃષિ સંયોજકશ્રી પ્રફુલ્લભાઈ સેજલીયાજીના અધ્યક્ષસ્થાને મહુવા તાલુકાના સણવલ્લા ખાતે સ્વસહાય જુથની બહેનો માટે પાંચ દિવસીય તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં મહુવા તાલુકાની ૬૦ બહેનોને પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ બધ્ધ કરવામાં આવી હતી.
નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ખાતે આયોજીત તાલીમના પ્રથમદિને તાઃ૨૨મીએ ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ સંયોજક પ્રફુલ્લદાદાએ પ્રાકૃતિક કૃષિસખીનું યોગ દાન અને પ્રાકૃતિક કૃષિની સફળતા વિષયે માર્ગદર્શન આપ્યું. મહુવાના ટી.ડી.ઓશ્રી પ્રકાશભાઈ માહલાએ કૃષિ ઉત્પાદનમાં ગુણવતા અને પોષણ મૂલ્ય પર પ્રેરણા દાયી માર્ગદર્શન આપ્યું હતું. નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્રના ભરતભાઇ પટેલે કૃષિ સખીની પ્રાકૃતિક કૃષિ પહેલ માટે ઘર વપરાશ શાકભાજી, કિચન ગાર્ડન જાતે બનાવવા વિષયે વિગતો આપી હતી. સુરતના સંયોજક કમલેશભાઈ પટેલે શેરડી ઉત્પાદનમાં પ્રાકૃતિક પ્રયોગો વિશે જણાવ્યું હતું. આ અવસરે તા.પં.પ્રમુખ શીલાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પાંચ દિવસની તાલીમ શિબિરમાં ખાસ પ્રશિક્ષિત તજજ્ઞ અમિતભાઈ પટેલ હિતેશભાઈ મિસ્ત્રી, હર્ષ ભરતભાઈ પટેલ, જિજ્ઞાશુભાઈ પટેલ પ્રકાશભાઈ વડીયા હિતેશભાઈ અલગઠ, મૂકેશભાઈ સાબા ઉપસ્થિત રહી પાંચે દિવસ પ્રાકૃતિક કૃષિના પાયાના સિધ્ધાત, બીજામૃત, જીવામૃત, ધનજીવામૃત, આચ્છાદન, વાપસા, પાકોનું સહજીવન તથા દેશીગાયનું કૃષિમાં મહત્વ વિષયે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
તાલીમના અંતિમ દિવસે નંદનવન ગીર ગૌ શાળા અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ખાતે તજજ્ઞ અમિતભાઈ, હિતેશભાઈ તથા હર્ષ ભરતભાઈ પટેલે ફિલ્ડ વિઝીટ સાથે શીખેલ તાલીમના પ્રેક્ટિકલ અભ્યાસ કૃષિ સખી બહેનોને કરાવ્યો હતો.