સુરતના ટૂર ઓપરેટરોએ અઝરબૈજાન અને તુર્કીના ટૂર પેકેજનું બુકિંગ નહીં કરવાનો નિર્ણય લીધો છે. સુરતના અંદાજિત ૨૫થી વધુ ટૂર ઓપરેટરોએ પાકિસ્તાનની તરફેણ કરનાર દેશનો બોયકોટ કરવા સોશિયલ મીડિયા થકી જાહેરાત કરી છે. ઉનાળું વેકેશન દરમિયાન થઈ રહેલા ટૂરના બુકિંગમાં અઝરબૈજાન અને તૂર્કીનું કોઈપણ ભોગે બુકિંગ નહીં કરવાની જાહેરાત કરી છે. સુરતના ટૂર ઓપરેટરોએ માલદિવ્સની જેમ અઝરબૈજાન અને તૂર્કી બાયકોટની ઝુંબેશ હાથ ધરી છે.
દક્ષિણ ગુજરાતમાંથી અઝરબૈજાન અને તૂર્કી જનારાઓની સંખ્યા ખૂબ મોટી છે. ઉનાળું વેકેશનમાં પણ અઝરબૈજાન અને તૂર્કી જવા માટે લોકોએ એડવાન્સમાં બુકિંગ કરાવી દીધુ છે. જોકે, ભારત-પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિમાં તૂકીએ પાકિસ્તાનની તરફેણ કરી હતી. દરમિયાન આતંકીઓને આસરો આપતા પાકિસ્તાનની તરફેણ કરનાર દેશના પ્રવાસનું બુકિંગ નહીં કરવા ટ્રાવેલ એજન્ટ્સ એશોશિએશન ઓફ ઇન્ડિયાએ નિર્ણય લીધો છે. દરમિયાન સુરતના ટૂર ઓપરેટરોએ પણ અઝરબૈજાન અને તૂર્કીના પ્રવાસનું બુકિંગ નહીં કરવાની જાહેરાત કરી છે. તેમજ એડવાન્સમાં બૂક થયેલા પ્રવાસો રદ થઈ શકે તેમ હોય તો રદ કરી દેવા અપીલ કરી છે. આ સાથે જ રાષ્ટ્રહીતમાં અઝરબૈજાન અને તૂર્કીનો પ્રવાસ નહીં કરવા લોકોને પણ અપીલ કરી છે. અઝરબૈજાન અને તૂર્કી બોયકોટ અભિયાનમાં હાલ સુરતના ૨૫ જેટલા ટૂર ઓપરેટરો જોડાયા છે.