આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અને જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણ તાજેતરમાં અરાકુ અને ડુમ્બ્રિગુડા વિસ્તારની બે દિવસની મુલાકાતે હતા ત્યારે તેમને મળવા આવેલી પંગી મીઠુ નામની વૃદ્ધ મહિલા સહિત ગામની મોટા ભાગની મહિલાઓ ખુલ્લા પગે ફરતી હતી.
આ જોઈને તેઓ ખૂબ જ વ્યથિત થયા હતા અને તેમણે ગામમાં રહેતા તમામ લોકોના પગની સાઇઝ મગાવ્યા બાદ બધા માટે ચપ્પલ મોકલ્યાં હતાં. પવન કલ્યાણની ઑફિસના સ્ટાફે 350 લોકો માટે તેમનાં માપનાં ચપ્પલ મોકલ્યાં હતાં અને વિતરણની વ્યવસ્થા કરી હતી.
ડુમ્બ્રિગુડા મંડળના પેડાપાડુ ગામના તમામ રહેવાસીઓ ચંપલ મેળવ્યા બાદ ખુશખુશાલ જોવા મળ્યા હતા. તેમણે આ માટે પવન કલ્યાણનો આભાર માન્યો હતો, ખુશીથી જણાવ્યું હતું કે ‘અમારા નેતાએ અમારી મુશ્કેલી સમજી છે. અહીં ઘણા નેતાઓ આવ્યા છે પણ કોઈને અમારી મુશ્કેલી સમજાઈ નહોતી. તેમણે અમારા સંઘર્ષને જોયો અને અમારી મુશ્કેલીને સમજી છે. અમે તેમને ધન્યવાદ આપીએ છીએ.’