વડોદરા શહેરના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે 20 એપ્રિલની રાતે 10.30 વાગ્યાની આસપાસ 3 માળનો સૂર્ય કિરણ ફ્લેટ ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી. બિલ્ડિંગ હલતી હોવાની જાણ થતાં ફ્લેટમાં રહેતા રહીશોએ જીવ બચાવવા ભાગદોડ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ કોર્પોરેટરો પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.
33 વર્ષ જૂના સૂર્ય કિરણ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમ બની રહ્યો હતો, જેનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન રવિવારે મોડી રાત્રે એકાએક મકાનનો ભાગ ધરાશાયી થતાં 2થી 3 પરિવારોના સભ્યો જીવ બચાવી ભાગ્યા હતા. જોકે તેની પાસે આવેલા અન્ય ફ્લેટ પણ જર્જરિત હોવાથી તેમાં રહેતા પરિવારોને પણ તકેદારીના ભાગ રૂપે નીચે ઉતારી લેવાયા હતા.
ઘટનાને સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી હતી. બીજી તરફ ફાયરબ્રિગેડની ટીપી-13, વડીવાડી અને ઇઆરસીની ટીમોએ અંદર કોઇ ફસાયું છે કે નહીં તેની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે 2 જેસીબીથી કાટમાળ હટાવવાની કામગીરી મોડી રાત સુધી હાથ ધરાઈ હતી. ઘટનાને પગલે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, કોર્પોરેટર શ્રીરંગ આયરે પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
4 એમ્બ્યુલન્સ સ્થળ પર જ સ્ટેન્ડ બાય રખાઇ
ફાયર બ્રિગેડની ત્રણ ટીમ અંદર કોઇ ફસાયું છે કે નહીં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.વીજ પૂરવઠોના હોવાથી હેલોજન લગાવી કામગીરી કરવામાં આવી હતી. તે સાથે 4 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. પાદરાના વડુના મોહંમદભાઇને ઉચ્ચક 9 લાખ રૂપિયામાં સૂર્ય કિરણ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમ બનાવવામાટે કામ આપવામાં આવ્યું હતું.
જેમાં તેઓ રોજ 4 મજૂરોને લાવી કામ કરાવતા હતા. જોકે મહોમદભાઇએ પોલીસને જણાવ્યું હતું કે, રવિવારના રોજ પણ ઉચ્ચક લાવેલા 4 મજૂરોને કામ માટે લાવ્યા હતા. પરંતુ બપોરે 3.30 કલાકે પરત મુકી આવ્યા હતા. જોકે કોઇ મજૂર આવીને સૂતો હોય તો તેની કોઇ જાણ નથી. કોર્પોરેટર આ મામલે કોર્પોરેટર શ્રીરંગ આયરે જણાવ્યું કે, સૂર્ય કિરણ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રિનોવેશન થતું હતું. નીચેની ગ્રાઉન્ડ ફ્લોર પરની પાર્ટીશનની દિવાલ હટાવી દેવામાં આવી હતી અને કારીગરો ડ્રીલર વડે કામગીરી કરતા બિલ્ડિંગ વાઇબ્રેટ થતી હતી. તેના કારણે ફ્લેટ ધરાશાયી થયો હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ નિર્ભયતા શાખા દ્વારા મેઇનટેનન્સમાટે નોટિસ આપવામાં આવેલી છે.