સુરત : નવચેતન અદાણી વિદ્યાલય જૂનાગામ ખાતે વાર્ષિક રમતોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓમાં રમત પ્રત્યે પ્રેમ જાગે અને જાગૃતિ વધે એવા આશય સાથે દરવર્ષે વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવે છે. રમતોત્સવમાં વિજેતા દરેક વિદ્યાર્થીને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આજે શાળા સંકુલમાં યોજાયેલા રમતોત્સવમાં અદાણી ફાઉન્ડેશન, હજીરાના સુશ્રી શીતલ પટેલ, શાળાના કોઓર્ડિનેટર વિરાજ વોરા શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની હાજરીમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થઈ હતી. મહેમાનોએ વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી વાતો કરી હતી.
વિદ્યાર્થીઓને રમત ગમત પ્રત્યે સકારાત્મક રોલ મોડલ બનવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ખેલમહાકુંભમાં સમાવિષ્ટ રમત જેવી કે 50મીટર દોડ, સ્ટેન્ડિંગ બોન્ડ જમ્પ, 100 મીટર દોડ, 200મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ, લાંબી કૂદ, દોરડા કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક જેવી રમતો ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાઈ હતી.
વિદ્યાર્થીઓના જીવનમાં રમતગમતનું મહત્વ રહે, શારીરિક વિકાસ અને જવાબદારી લેતાં શીખે,આત્મવિશ્વાસની ભાવના વિકસે તેમજ જીવનના પડકારોનો ખૂબ હકારાત્મક અને શાંત રીતે સામનો કરે હેતુસર વિદ્યાર્થીઓને જુદી જુદી રમતો રમાડવામાં આવી. દરેક રમતમાં એક, બે અને ત્રણ ક્રમે વિજેતા વિદ્યાર્થીને ઈનામ આપી પ્રોત્સાહન અપાયું હતું.