ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઊંચા તાપમાન અને પ્રદૂષણથી શરીરને રક્ષણ આપવા અનેક પગલાં લેવાય છે,પણ આંખ જેવા સંવેદનશીલ અંગની સાવચેતી માટે ભાગ્યેજ તકેદારી લેવાતી હોય છે,ત્યારે અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના આંખ વિભાગના તબીબોએ સખત ગરમીમાં આંખની સંભાળ માટે જરૂરી ટીપ્સ આપી છે.
જી.કે.ના આંખ વિભાગના હેડ ડૉ.કવિતા શાહના જણાવ્યા મુજબ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો આંખની અનેક સમસ્યા ઊભી કરી શકે છે.ભારે તાપથી કોર્નિયા સનબર્ન થવાને કારણે મોતિયાની શકયતા વધી જાય છે.એ સાથે આંખની બીજી ઘણી મેક્યુલર ડીજનરેશન જેવી સમસ્યાને વેગ મળે છે.
આંખની સંભાળ કેવી રીતે લેશો:
ડો.કવિતાબેનના જણાવ્યા મુજબ પ્રાથમિક અને સક્રિય સંભાળ દૃષ્ટિને તંદુરસ્ત અને તેજસ્વી રાખી શકે એ માટે પ્રથમ તો ઉચ્ચ ગુણવતા વાળા સનગ્લાસ પહેરવા આવશ્યક છે,જે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે. સનગ્લાસીસ ઉપરાંત કેપ પણ એક નિર્ણયાત્મક પરિબળ સાબિત થાય છે.ઓછામાં ઓછું આકરા તાપથી આંખને સુરક્ષા પ્રદાન કરવા સવારે ૧૦થી૪ સુધી આ બંને ઉપાય જરૂરી છે.
તાપથી આંખને નુકસાન થઈ રહ્યું હોય ત્યારે તુરત જ તેના લક્ષણો ઉનાળામાં દેખાવા લાગે છે, જેમકે આંખો લાલ થવી,આંખો શુષ્ક બને અને બળતરા પણ થવા લાગે એનાથી તદ્દન ઉલટી બાજુ કોઈક વાર એલર્જીને કારણે આંખમાં ભીનાશ પણ અનુભવાય છે.માથું પણ દુઃખવા લાગે છે.એમ ડો.અતુલ મોડેસરા અને સી.રેસિ. ડો. હીર સોનીએ જણાવ્યું હતું.
અન્ય તબીબ ડો. નૌરિન મેમણે કહ્યું કે,આવી સ્થિતિ ઊભી ન થાય એ માટે સાવચેતીના ભાગરૂપે શરીરને હાઇડ્રેટ રાખવા પાણી પીતા રહેવું.તબીબની સલાહ મુજબ આંખ માટે જરૂરી આઈ ડ્રોપ(આંખના ટીપાં) લેવા.આંખોને ઘસવાનું ટાળવું અને ખાસ તો આંખોની રક્ષા માટે સમય સમયે સ્ક્રીન ટાઇમ વચ્ચે બ્રેક લેવાય તો ઘણી મુશ્કેલીથી બચી શકાય એમ છે.
બાળકોને ગરમીમાં મોબાઈલથી દૂર રાખો:
બાળકોની આંખોને પણ સાચવવી આવશ્યક છે. તેમને નિયમિત પાણી પીવડાવવું અને ખાસ તો મોબાઈલ,લેપટોપ જેવા ઉપકરણોથી બચાવવા કેમકે આંખ ઉપર દબાણ વધી જાય છે જેથી ડિજિટલ આઈ સ્ટ્રેન અને આંખોનું સૂકાપણું (ડ્રાય આઈ) વધી જાય છે.