સુરતઃ સતત 12 વર્ષ સુધી પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકા વાળાએ કાનૂની લડાઈ લડી સુરત ચોક બજાર રાજા ઓવારા મસ્જિદ વિવાદ મામલે વકફ ટ્રિબ્યુનલ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સરકારી જમીન પર બનેલી ‘હુશેની મસ્જિદ’ મામલે વકફ ટ્રિબ્યુનલ કોર્ટે અરજી ફગાવી દીધી છે. કોર્ટે વકફ બોર્ડના બની બેઠેલા મૌલવીઓ દ્વારા રજૂ કરાયેલા તમામ પુરાવાઓને ખોટા ગણાવ્યા છે. ખોટા પુરાવા રજૂ કરવા બદલ કોર્ટે મૌલવીઓને રૂપિયા 1 લાખનો ભારે દંડ ફટકાર્યો છે.
સુરતના ચોક બજાર ચાર રસ્તા નજીક રાજા ઓવારા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની હેરિટેજ પ્રોજેક્ટ માટે અનામત સરકારી જમીન પર બાંધવામાં આવેલી કથિત ગેરકાયદેસર હુસેની મસ્જિદ અંગે ટ્રિબ્યુનલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ટ્રિબ્યુનલે મસ્જિદનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાનો આદેશ આપવાની સાથે સંબંધિત વકફ ટ્રસ્ટ પર ₹1 લાખનો દંડ પણ ફટકાર્યો છે.
આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકા વાળાએ જણાવ્યું કે આ કેસમાં તેમને લગભગ 12 વર્ષ સુધી કાનૂની લડાઈ લડવી પડી હતી. તેમના જણાવ્યા મુજબ, વર્ષો પહેલાં રાજા ઓવારા વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીનું એસએમસી દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને અસરગ્રસ્ત પરિવારોને આવાસ ફાળવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ કરોડો રૂપિયાની સરકારી જમીન પર હેરિટેજ પ્રોજેક્ટ વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
દીપક આફ્રિકા વાળાએ દાવો કર્યો કે ડિમોલેશન બાદ ખાલી પડેલી જગ્યાએ દારૂ અને જુગારના અડ્ડા શરૂ થતાં તેમણે પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર અને એસએમસી કમિશનરને રજૂઆત કરીને સરકારી જમીનની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવી કબજો સુરક્ષિત કરવાની માંગ કરી હતી. જોકે, તેમના આક્ષેપ મુજબ ત્યારબાદ કેટલાક લોકોએ સરકારી જમીન પર હુસેની મસ્જિદનું બાંધકામ શરૂ કરી દીધું.
તેમણે જણાવ્યું કે ગેરકાયદેસર બાંધકામ સામે તેમણે સુરત મહાનગરપાલિકા, પોલીસ અને કમિશનર કચેરીમાં રજૂઆતો કરી હતી, છતાં બાંધકામ ચાલુ રહ્યું. બાદમાં મસ્જિદ આવેલી જમીન વકફમાં નોંધાયેલી હોવાનું દર્શાવતું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું અને વકફ બોર્ડ દ્વારા પણ એસએમસીને નોટિસ પાઠવવામાં આવી હતી. આ દાવાને તેમણે ટ્રિબ્યુનલમાં પડકાર્યો હતો.
લાંબી કાનૂની પ્રક્રિયા બાદ ટ્રિબ્યુનલે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાનો તેમજ વકફ ટ્રસ્ટ પર ₹1 લાખનો દંડ ફટકારવાનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા બાદ હેરિટેજ પ્રોજેક્ટના અમલીકરણનો માર્ગ પણ મોકળો થયો હોવાનું દીપક આફ્રિકા વાળાએ જણાવ્યું.
તેમણે વધુમાં કહ્યું કે સુરત મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને વકફ બોર્ડમાં ભાજપના પદાધિકારીઓ હોવા છતાં તેમને આ કેસમાં 12 વર્ષ સુધી કાનૂની લડાઈ લડવી પડી, જે દુઃખની બાબત છે. જોકે અંતે ન્યાય મળતાં પોતાની લડાઈ સફળ રહી હોવાનું જણાવી તેમણે સંતોષ વ્યક્ત કર્યો.


