રાજધાની દિલ્હીના એરપોર્ટ પર ફ્લાઇટ સેવાઓ હવે ધીમે ધીમે પાટા પર આવી રહી છે. લગભગ 36 કલાક પહેલા થયેલી મોટી ટેકનિકલ ખામી બાદ શનિવારે પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારે કુલ 129 ફ્લાઈટ્સ (53 આગમન અને 76 પ્રસ્થાન) વિલંબિત થઈ હતી, જ્યારે શુક્રવારે લગભગ 800 ફ્લાઈટ્સ મોડી પડી હતી.
શું સમસ્યા હતી?
ગુરુવારે સાંજે દિલ્હી એરપોર્ટની એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી. આ સમસ્યા ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમ (AMSS)માં આવી છે, જે ફ્લાઇટ પ્લાનિંગનો મહત્વનો ભાગ છે. આ સિસ્ટમ ફેલ થતાની સાથે જ ફ્લાઈટ્સના મેસેજ અને ડેટા આપમેળે કંટ્રોલ ટાવર સુધી પહોંચતા ન હતા. પરિણામે એરલાઈન્સે જાતે જ ફ્લાઇટ પ્લાન બનાવવો પડ્યો.
શુક્રવારે અરાજકતા જોવા મળી
ખરાબી બાદ દિલ્હી એરપોર્ટ પર ગુરુવાર રાતથી શુક્રવાર સુધી અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. ગુરુવારે રાત્રે લગભગ 500 ફ્લાઇટ્સ અને શુક્રવારે 800 ફ્લાઇટ્સ મોડી પડી હતી. ઘણી ફ્લાઇટમાં મુસાફરોને પ્લેનમાં જ લાંબો સમય રાહ જોવી પડી હતી. પ્રસ્થાનો સરેરાશ 45 મિનિટથી 1 કલાક સુધી વિલંબિત થયા હતા, જ્યારે પાર્કિંગ બેઝ મર્યાદિત હોવાથી ઇનકમિંગ ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ હતી અને એરફિલ્ડ પણ ગીચ બની ગયું હતું.
ટેકનિકલ ખામી અંગે અધિકારીઓની સ્પષ્ટતા
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ જણાવ્યું હતું કે તે તકનીકી સમસ્યા હતી, પરંતુ કોઈપણ ફ્લાઇટની સલામતી પર કોઈ અસર થઈ નથી. જે વિમાનો હવામાં હતા તે સામાન્ય રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચ્યા. એકમાત્ર સમસ્યા પ્રી-ફ્લાઇટ મેસેજિંગ અને પ્લાનિંગ પ્રક્રિયામાં હતી.
એર ટ્રાફિક કંટ્રોલર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ ચેતવણી આપી હતી
જો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ સમયસર તેની સિસ્ટમને અપગ્રેડ કરી હોત તો દિલ્હી એરપોર્ટ પર આ ખામી ટાળી શકાઈ હોત. વાસ્તવમાં, એર ટ્રાફિક કંટ્રોલર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાએ જુલાઈમાં ચેતવણી આપી હતી કે ‘હાલની સિસ્ટમ, ખાસ કરીને દિલ્હી અને મુંબઈ જેવા મોટા એરપોર્ટ પર, મંદી અને ટેકનિકલ વિક્ષેપોથી પીડાઈ રહી છે, જે કાર્યક્ષમતા અને સલામતીને અસર કરી રહી છે.’
દિલ્હી એરપોર્ટની તાજેતરની સ્થિતિ
દિલ્હી એરપોર્ટે શનિવારે સવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘AMSS સંબંધિત તકનીકી સમસ્યા હવે સુધરી રહી છે. એરલાઇન કામગીરી સામાન્ય થઈ રહી છે અને મુસાફરોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે સુનિશ્ચિત કરવા તમામ અધિકારીઓ સખત મહેનત કરી રહ્યા છે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની ફ્લાઇટ વિશે નવીનતમ માહિતી માટે એરલાઇન્સના સંપર્કમાં રહે. ઈન્ડિગો એરલાઈન્સે એમ પણ કહ્યું કે, ‘એટીસી સિસ્ટમમાં કામચલાઉ ટેકનિકલ ખામી હવે ઉકેલાઈ ગઈ છે અને કામગીરી ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. આગામી થોડા કલાકોમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે. ત્યાં સુધી, ફ્લાઇટના સમયમાં કેટલાક ફેરફારો ચાલુ રહી શકે છે.


