- સુરતના ’ડરપોક’ મેયરે વિપક્ષ આમ આદમી પાર્ટીના જનહિતના સવાલના જવાબો તો ન આપ્યા, ઊલટું પોલીસ બોલાવી અટકાયત કરાવી: આપ
- વિપક્ષ નેતા પાયલ સાકરિયા સમેત ’આપ’ ના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને પોલીસ મેયરના ઈશારે ઊંચકી ગઈ
- જનતા વતી પૂછાયેલા વિપક્ષના સવાલના જવાબો આપવાની ત્રેવડ ન હોય તો મેયર બનીને ન ફરાય, રાજીનામું આપીને ઘરે બેસાય : વિપક્ષ નેતા પાયલ સાકરિયા
- મેયર પોતાનું મનસ્વીપણું બતાવી લોકશાહીનું ગળું દબાવવાની કોશિશ કરે છે: આમ આદમી પાર્ટી
સુરતઃ ગત સામાન્ય સભામાં વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબો આપવામાંથી છટકબારી કાઢી સાફ શબ્દોમાં ઘસીને મેયરે જવાબ આપવાની ના પાડી દીધી હતી. જે મામલો ખૂબ જ ગંભીર ગણાય તેવો છે.
આ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ મેયરને રજૂઆત કરવા અને સવાલના જવાબો માંગવા ગયા હતા. પરંતુ રાબેતા મુજબ જ મેયરે અડધો કલાક જેટલો સમય વિપક્ષના કોર્પોરેટરોને તેમની ચેમ્બરની બહાર રાહ જોવડાવી હતી. તે દરમ્યાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરોએ રામધૂન બોલાવવાની શરૂઆત કરી હતી, અને મેયરનો હુરિયો બોલાવ્યો હતો. દરમ્યાનમાં મેયરના આદેશથી પોલીસ સ્ટાફ પાલિકામાં આવી ગયો હતો અને અમાનવીય રીતે સૌ કોર્પોરેટરો અને પદાધિકારીઓને ઊંચકીને લઈ જઈ ડિટેઇન કર્યા હતા. ડિટેઇન થયેલા કોર્પોરેટરોમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશભાઈ અણઘણ, વિપક્ષ દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટરો વિપુલ સુહાગીયા, સહિત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી અને અન્ય કાર્યકરો હતા.
વિપક્ષ આમ આદમી પાર્ટીએ આ ઘટના બાદ મેયર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ પોતાનું મનસ્વીપણું બતાવે છે, અને લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. લોકશાહીમાં પ્રજાના હિતના પ્રશ્નોના જવાબ આપવા મેયર બંધાયેલા છે. મેયર તેમાં પોતાના મનના કાયદા થોપે તે ચલાવી શકાય એમ નથી. સામાન્યસભામાં કોર્પોરેટરોને સવાલો પૂછવાનો BPMC Act મુજબ હક છે અને આ હક પર તરાપ મારીને લોકશાહી પર મેયર સીધો હુમલો કરી રહ્યા છે અને પોતાને કાયદાથી પણ ઉપર સમજી રહ્યા છે.
વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, પાલિકા પ્રજાના વેરાથી ચાલે છે અને પ્રજા પોતાના પ્રતિનિધીઓને ચૂંટીને મોકલે છે પરંતુ આ પાલિકામાં પ્રતિનિધિઓને સવાલો પૂછવા પર રોક લગાવવામા આવી રહી છે તે પ્રજાના જનાદેશનું અપમાન છે. મેયર લોકશાહી વિરુદ્ધનુ આવું કૃત્ય કરીને પાલિકામાં થતો ભ્રષ્ટાચાર જનતા કે મીડિયા સમક્ષ ના આવી શકે અને વધુમાં વધુ ભ્રષ્ટાચાર થઈ શકે તે માટે આયોજન કરી રહ્યા છે. સુરત મહાનગર પાલિકાનું બજેટ અબજોનું છે પણ એના વપરાશ પર સવાલ પૂછવાની ના પાડવામાં આવશે તો જનતાને જવાબ કોણ આપશે?
ઉપનેતા મહેશ અણઘણે જણાવ્યું હતું કે, મેયરે ના ભૂલવું જોઈએ કે તે જનતા ના સેવક છે માલિક નથી. પાલિકા કોઈના બાપદાદાની પેઢી નથી અહીં કાયદા મુજબ કામ થાય નહીં કે જો હુકુમીથી. આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, અમે વિપક્ષ આમ આદમી પાર્ટી મેયરની લોકશાહી પરના આ હુમલાનો સખત વિરોધ અને નીંદા કરીયે છીએ. કોર્પોરેશનમાં કોર્પોરેટર, વિધાનસભામાં ધારાસભ્ય અને સંસદમાં સાંસદને સવાલો પૂછવાનો બંધારણીય હક મળેલ છે તો આ રોકવા વાળા મેયર કોણ ?


