સ્વચ્છતા, સૌર ઉર્જા અને સ્માર્ટ સિટી માટે જાણીતું સુરત હવે વધુ એક મોટી સિદ્ધિ સાથે દેશ સમક્ષ એક દાખલો બેસાડવા જઈ રહ્યું છે. સુરત મહાનગર પાલિકા દ્વારા અલથાણ વિસ્તારમાં રૂ. 1.60 કરોડના ખર્ચે દેશનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું સ્માર્ટ બસ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે.
આ હાઇટેક બસ સ્ટેશન Wi-Fi, મોબાઇલ ચાર્જિંગ અને આધુનિક લાઇટિંગ સુવિધાઓથી સજ્જ છે અને ઇલેક્ટ્રિક બસો માટે 24×7 ગ્રીન ચાર્જિંગ સિસ્ટમ પણ પ્રદાન કરશે.
બસ સ્ટેશન ઉર્જા કાર્યક્ષમતાનું ઉદાહરણ બનશે
દેશ અને રાજ્યમાં ગ્રીન એનર્જી અને ટકાઉ માળખાગત સુવિધા તરફ ઘણી પ્રગતિ થઈ રહી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને જર્મન સંસ્થા GIZ “ડ્યુશ જિસેલશાફ્ટ ફર્ ઇન્ટરનેશનલ ઝામમેનઆરબેટ”ના સહયોગથી તૈયાર કરાયેલ આ પ્રોજેક્ટ બસો માટે Wi-Fi અને લાઇટિંગ જેવી સુવિધાઓ પણ પૂરી પાડશે. આ સાથે, રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા 24×7 ગ્રીન ચાર્જિંગ સુવિધા પણ ઉપલબ્ધ થશે.
પ્રકાશ અને ઉર્જા કાર્યક્ષમતા સેલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પ્રકાશ પંડ્યાએ માહિતી આપી હતી કે દિવસ દરમિયાન ઉત્પન્ન થતી સૌર ઉર્જા સેકન્ડ લાઇફ બેટરીમાં સંગ્રહિત થાય છે, જેનો ઉપયોગ રાત્રે ઇલેક્ટ્રિક બસોને ચાર્જ કરવા માટે થાય છે. આનાથી ઉર્જાની મોટી બચત થાય છે અને ગ્રીન ચાર્જિંગ થાય છે.


