રાજ્યમાં સરકારી દવાખાનાઓમાં દર્દીઓની સેવામાં હાલ 13,507 નર્સ ફરજ બજાવી રહી છે. રાજ્યમાં હાલ કુલ-61 સંસ્થા 1920 બેઠકો અને ખાનગી 997 સંસ્થાઓ ખાતે કુલ 47, 170 સીટ સાથે નર્સિંગના જુદા જુદા કોર્ષ ચાલી રહ્યા છે.
જેમાં દર વર્ષે વધારો કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25માં રાજ્યમાં નર્સિંગની સેવાઓ સુદઢ બનાવવા માટે બી.એસ. સી.(ન.)ની 500 બેઠકો અને 5 નવી કોલેજોને મંજૂરી આપવામાં આવી હતી.
જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આ નવી કોલેજ ગુજરાતના મોરબી, ગોધરા, પોરબંદર, રાજપીપળા અને નવસારીમાં બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.
ડોક્ટર અને દર્દીને સાંકળતી એક મહત્વની કડી નર્સ છે. કોઈપણ પ્રકારની સંબંધી સેવા પૂરી પાડવામાં આરોગ્ય નર્સનો ફાળો ખૂબ અગત્યનો છે. દર્દીની સારવારમાં નર્સિંગ કેરનો મહત્વનો ફાળો છે.
નર્સિંગ કેર એટલે ફક્ત દર્દીને દવા અને ઇન્જેક્શન આપવા એટલું જ નહીં પરંતુ નર્સિંગ કેર થકી દર્દીની સારવાર કરતી વખતે હોસ્પિટલમાં ઘર જેવું વાતાવરણ બનાવી આરોગ્ય સંબંધિત શિક્ષણની યોગ્ય સમજણ આપી સારવાર કરવાનો છે.
આરોગ્ય સેવાઓમાં નર્સના યોગદાનને ધ્યાનમાં લઈને સમગ્ર વિશ્ર્વમાં દર વર્ષે આજે 12મી, મેને ‘આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. 12મી-મેનો દિવસ પસંદ કરવાનું ખાસ કારણ એ છે કે, આ દિવસે જગવિખ્યાત નર્સ અને નર્સિંગ વ્યાવસાયિક પ્રવૃત્તિઓના પાયાના પથ્થર તરીકે ઓળખાતી ફ્લોરેન્સ નાઈટિંગેલનો જન્મદિવસ છે.
અવર નર્સ, અવર ફ્યુચર, ધ ઈકોનોમિક પાવર ઓફ કેર
વર્ષ 2025 માટે ઈગ દ્વારા અવર નર્સ, અવર ફ્યુચર, ધ ઇકોનોમિક પાવર ઓફ કેરની થીમ નક્કી કરવામાં આવી છે. આ થીમના માધ્યમથી એ દર્શાવવામાં આવ્યું છે કે, નર્સો માત્ર આરોગ્ય જાળવવાની જવાબદારી ભજવતા નથી, પણ તેઓ સમગ્ર આરોગ્ય વ્યવસ્થા અન અર્થતંત્ર માટે પણ આધારરૂપ છે.
જ્યારે આરોગ્ય સેવાઓમાં યોગ્ય નર્સિંગ સ્ટાફ હોય, ત્યારે સારવારની ગુણવત્તા સુધરે છે. દર્દીઓ ઝડપથી સાજા થાય છે જેથી અર્થતંત્ર પરનો ભાર ઓછો થાય છે.