ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુધ્ધની પરિસ્થિતિને ધ્યાને લઇ રાજકોટ એરપોર્ટ તા. 14મી સુધી સિવિલ ફલાઇટ માટે ‘નોટમ’ બંધ કરાયા બાદ આજે સવારે 10:20 કલાકથી સિવિલ ફલાઇટ માટે એરપોર્ટ ફરી ખુલ્લુ મુકાતા હવે સિવિલ ફલાઇટનું આવાગમન શરૂ થશે. એરલાઇન્સ કંપનીઓ પોતાના વિમાન ઉડાડી શકશે.
ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધની સ્થિતિ સર્જાતા ગત તા.6 થી 9 સુધી સિવિલ ફલાઇટ માટે રાજકોટ સહિતના દેશભરના 16 જેટલા એરપોર્ટ બંધ થયા હતા. માત્ર મિલીટ્રી માટે જ એરપોર્ટ 24 કલાક ખુલ્લા રહ્યા હતા.
બાદ ફરી ભારત-પાક. વચ્ચે યુધ્ધની પરિસ્થિતિ સર્જાતા વધુ એક વખત તા.14 સુધી એરપોર્ટ બંધ કરવાના આદેશ સાથે તા. 15ના રોજ સવારના 5.30 કલાક સુધી ‘નોટમ’ અપાયાના પગલે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ સિવિલ ફલાઇટ માટે બંધ કરાયું હતું.
હાલ યુધ્ધની પરિસ્થિતિ ટળી જતા એરપોર્ટ ઓથોરીટીએ આજે સવારના 10:20 કલાકથી એરપોર્ટને સિવિલ ફલાઇટ માટે ખુલ્લુ મુકવાની સત્તાવાર જાહેરાત કરી છે.
આજથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ સિવિલ ફલાઇટ માટે શરૂ થતા હવે એરલાઇન્સ કંપનીઓ પોતાના વિમાનોનું લેન્ડીંગ, ટેકઓફ કરી શકશે. આજથી રાજકોટ એરપોર્ટ રાબેતા મુજબ શરૂ થયા હોવાનું સુત્રોએ જણાવ્યું છે.