મહારાષ્ટ્રનાં થાણે જીલ્લાનાં ભિવંડીમાં આજે સવારે વિકરાળ આગ લાગતા અફડાતફડીનો માહોલ હતો ભિવંડીના રિસ્કલેન્ડ કમ્પાઉન્ડમાં લાગેલી આગની જવાળા તથા ધુમાડા દુરદુર સુધી જોવા મળ્યા હતા. 22 વેરહાઉસ ખાખ થયા હતા. આગને કાબુમાં લેવા ફાયરબ્રિગેડની ટીમો દ્વારા ભરચકક પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને રાહત-બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી.
આ આગની ઘટનાનો વિડીયો પણ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં પ્રચંડ અગ્નિ જ્વાળાઓ જોવા મળે છે. દૂર દૂર સુધી આગનો ધુમાડો જોવા મળી રહ્યો છે. અત્યારે આ આગને કાબુમાં લેવાના સઘન પ્રયાસ ચાલી રહ્યા છે. જેની માટે હાલમાં ચાર ફાયર ટેન્ડર આવી પહોંચ્યા છે. ભિવંડી અને કલ્યાણથી ફાયરની ગાડીઓ બોલાવવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આ આગ પહેલા પાંચ કંપનીઓમાં ફાટી નીકળી હતી અને ત્યાર બાદમાં મંડપ ડેકોરેશનવાળા એક સ્ટોરેજમાં પણ ફેલાઈ હતી. હવે વાત કરીએ કે આ આગમાં કેટલું માલનું નુકસાન થયું છે. તો આ આગમાં લગભગ 22 વેરહાઉસ બળીને ખાખ થઈ ગયા છે.
જેમાં કેમિકલ વેરહાઉસ, પ્રિન્ટિંગ મશીન, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, આરોગ્ય સંબંધિત પ્રોટીન ફૂડ પાઉડર, કોસ્મેટિક સામગ્રી, કપડાં, પગરખાં, તેમ જ મંડપ ડેકોરેશનની આઇટમ્સ સહિત તમામ ફર્નિચર બળીને રાખ થઈ ગયા હતા.