ભારત-પાકિસ્તાન વચ્ચે શનિવારથી મોડીરાત્રી સુધીની લશ્કરી ટકકર બાદ આખરે વાસ્તવિક રીતે અમલી બનેલા યુદ્ધ વિરામમાં પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરથી કચ્છ સુધી પ્રથમ વખત રાત્રીના કોઈ પ્રકારે લશ્કરી હુમલા થયા ન હતા અને ગઈકાલ સવારથી જ સરહદી ક્ષેત્રમાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
લગભગ 86 કલાક સુધી બન્ને દેશો વચ્ચે થયેલી લશ્કરી અથડામણમાં ગઈકાલે ભારતીય સૈન્યની ત્રણેય પાંખના ડીજીએમઓએ સંયુક્ત પત્રકાર પરિષદમાં પાક પર જે કહેર વર્તાવામાં તેનું ચિત્ર રજુ કરીને દેશને એ પણ ખાતરી મળી કે યુદ્ધ વિરામ છતાં સરહદ સહિતના ક્ષેત્રે ભારતીય દળો પુરી રીતે એલર્ટ છે અને કોઈપણ પરીસ્થિતિનો જવાબ મીનીટોમાં આપી દેવાશે.
ભારતે આ સાથે ડિપ્લોમેટીક મોરચે પણ એ સંદેશો આપી દીધો કે હવે ત્રાસવાદનો એક પણ હુમલો સ્વીકાર્ય બનશે નહી અને જો આ પ્રકારે હુમલો થશે તો તેને ‘મેકર ઓફ વોર’ એટલે કે યુદ્ધ જ ગણી લેવાશે.
હાલ યુદ્ધ વિરામની રાહતનો શ્વાસ લઈ રહેલા પાક માટે જો કે આગળનો માર્ગ આસાન નહી હોય. આજથીજ બન્ને દેશોના ડિરેકટર જનરલ ઓફ મિલીટ્રી વચ્ચે બેઠકો શરૂ થશે. બીજી તરફ યુદ્ધ વિરામ માટે અમેરિકાની ભૂમિકા અને કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલ મદદની ખોફ ભારતે ફગાવી દીધી છે અને સ્પષ્ટ જાહેર કયુ છે કે પાકિસ્તાન સાથે ચર્ચા ફકત ‘પી.ઓ.કે.’ પાક કબ્જાના કાશ્મીર ખાલી કરવા માટે જ થશે અને તેમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા સ્વીકાર્ય બનશે નહી.
અમેરિકાએ કોઈ તટસ્થ સ્થળે ભારત-પાક વચ્ચે વાટાઘાટ માટે પણ ઓફર કરી હતી પણ ભારતે તે પણ નકારી છે. પાકિસ્તાનમાં જે ત્રાસવાદીઓ શરણ લઈ રહ્યા છે તેઓને ભારતને સુપ્રત કરવામાં આવે. પાક સાથે અન્ય કોઈ મુદા પર વાતચીતનો પ્રશ્ન જ નથી.
ભારતે સ્પષ્ટ કર્યુ છે કે, તેના વલણમાં કોઈ ફેરફાર થયો નથી અને કોઈ દેશની મધ્યસ્થી સ્વીકારી નથી. આ ઉપરાંત પાકિસ્તાન સાથે કોઈ ‘શટલ ડિપ્લોમસી’ થશે નહી. ભારતે સ્પષ્ટ કર્યુ છે કે જો હવે ત્રાસવાદી હુમલો થશે તો ભારત હીટ કરશે અને ઓપરેશન સિંદુરે સ્પષ્ટ કર્યુ છે કે પાકમાં ત્રાસવાદ કે ત્રાસવાદી કોઈ સલામત નથી કે ભારતની પહોંચની બહાર પણ નથી.
આજે ડીજીએઓ વચ્ચેની વાતચીત ફકત યુદ્ધ વિરામ લંબાવવા અને તેના અમલના નિયમો નિશ્ચિત થશે. તેનાથી એક પણ વધુ વાત થશે નહી તથા સરકારી દળો હાલ યથાવત રહેશે.