ભારતની સરહદો પર તંગદિલીભરી સ્થિતિ છે ત્યારે ગત રાત્રીથી આજે સવાર સુધીમાં ભારતીય સેનાએ પાકિસ્તાને છોડેલા અને ભુજ, અબડાસા, આદિપુર સુધી પહોંચી ગયેલા છ ડ્રોન તોડી પાડયાનું જાહેર થયું છે. તો ભુજમાં લોકોને કામ વગર ઘર બહાર ન નીકળવા કલેકટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તેના પગલે આજે ભુજની બજારોમાં દુકાનો બંધ રહ્યાના અહેવાલ છે.
ગઇકાલે બનાસકાંઠા, પાટણ જિલ્લામાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન દ્વારા ભારત વિરૂધ્ધ સતત ઉશ્કેરણીજનક હરકતો કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારે કચ્છ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ભારતીય સરહદની નજીક પાકિસ્તાની ડ્રોન દાખલ થયા હોવાની માહિતી મળી છે.
ભારતીય સુરક્ષા દળોએ ઝડપી કાર્યવાહી કરીને ડ્રોનને હવામાં જ તોડી નાંખ્યા હતા. અબડાસા તાલુકાના નાની ધ્રુફી ગામ નજીક ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા દુશ્મનનો ડ્રોન હવામાં જ નાશ પામ્યો.
ભુજ નજીક એરફોર્સ સ્ટેશન વિસ્તારમાં વધુ એક ડ્રોન ઘૂસી આવ્યો હતો, જેને પણ તાત્કાલિક તોડી પાડવામાં આવ્યો હતો. આદિપુરના કોલેજ વિસ્તાર નજીક, ત્રીજું ડ્રોન તોડી પાડવામાં આવ્યું. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.
જિલ્લાના અધિકારીઓ અને પોલીસ તંત્રએ તરતજ કાર્યવાહી કરતાં સંભવિત ખતરા વાળા વિસ્તારોને કોર્ડન કર્યા છે. કચ્છના જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર અપીલમાં લોકોને ઘરની બહાર બિનજરૂરી ન જવાની વિનંતી કરવામાં આવી છે. સાથે જ અફવાઓ પર ધ્યાન ન આપવા માટે સૂચના આપી છે.
ભારત-પાકિસ્તાન યુધ્ધને લઇને વહેલી સવારથી જ કચ્છ સરહદ પર હલચલ જોવા મળી રહી છે. અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તોડી પડાયું છે. નલિયાથી 22-25 કિ.મી. દુર નાની ધ્રુફી અને બેરાજા ગામની સીમના ખેતરમાં કાટમાળ પડયો છે. આજે સવારના 5 વાગ્યેને 5 મીનીટે ધડાકાનો અવાજ સંભળાયા હોવાનો લખપતના લોકોએ દાવો કર્યો છે. હાલમાં ગુજરાતના તમામ સરહદી જિલ્લાઓ હાઇએલર્ટ પર છે.