થિમ્ફુ/અમદાવાદ:અદાણી ગ્રુપ અને ભૂતાનના ડ્રક ગ્રીન પાવર કોર્પોરેશન (ડીજીપીસી) એ ભૂતાનમાં 5,000 મેગાવોટ હાઇડ્રોપાવર ક્ષમતાનો પ્રકલ્પ સંયુક્ત રીતે વિકસાવવા માટે એક સીમાચિહ્નરુપ સમજૂતિ કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.
વડાપ્રધાન દાશો ત્શેરીંગ તોબ્ગે, ઉર્જા અને કુદરતી સંસાધન મંત્રી લિઓન્પો જેમ ત્શેરીંગ અને અન્ય વરિષ્ઠ મહોદયોની ઉપસ્થિતિમાં ડી.જી.પી.સી. ના મેનેજીંગ ડિરેક્ટર દાશો છેવાંગ રિન્ન અને અદાણી ગ્રીન હાઇડ્રો લિ.ના સી.ઓ.ઓ. (PSP & Hydro) નરેશ તેલ્ગુએ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ સમજૂતિ કરાર 570/900 મેગાવોટ વાંગચુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ માટેના વર્તમાન સહયોગ પર નિર્મિત છે, જેમાં ડીજીપીસી 51% બહુમત હિસ્સો ધરાવે છે અને અદાણીનો હિસ્સો 49% રહેશે. 5,000 મેગાવોટની આ વિશાળ પહેલ વધારાના હાઇડ્રોપાવર અને પમ્પ સ્ટોરેજ પ્રકલ્પોને તારવવા માટે સમાવિષ્ટ કરશે, જેના વિગતવાર પ્રોજેક્ટ અહેવાલો તૈયાર કરવામાં આવશે અને તેના તબક્કાવાર અમલીકરણ માટે આગળ વધવામાં આવશે.
અદાણી ગ્રીન હાઇડ્રો લિ.ના PSP & Hydroના સીઓઓ નરેશ તેલ્ગુ એ જણાવ્યું હતું કે આ ભાગીદારી સ્વચ્છ ઉર્જા માળખાના વિકાસ માટે અમારી ઠોસ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરી પ્રાદેશિક ઉર્જા સુરક્ષા વધારે છે. ડીજીપીસી સાથે મળીને અમે ભૂતાનને તેના હાઇડ્રોપાવર સામર્થ્યને ભારતને વિશ્વસનીય હરીત ઉર્જાની નિકાસ કરવા માટે સક્ષમ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે વહેંચાયેલ ટકાઉ વિકાસના લક્ષ્યોની શોધમાં સરહદપારનો આ સહયોગ એક શક્તિશાળી ઉદાહરણ છે.
ડી.જી.પી.સી. ના મેનેજીંગ ડિરેક્ટર દાશો છેવાંગ રિન્નએ આ વેળા કહ્યું હતું કે અદાણી સાથેની આ વ્યૂહાત્મક ભાગીદારી, ભૂતાનના હાઇડ્રોપાવર સંસાધનોનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરવામાં ભારત સરકાર સાથેના અમારા અત્યંત મજબૂત જોડાણને વધુ તાકાતવાન બનાવશે, જેને બંને દેશો વચ્ચેના અનુકરણીય અને મૈત્રીપૂર્ણ સંબંધોનો પાયાનો આધાર માનવામાં આવે છે. અમે આ ભાગીદારીને અદાણી સાથે આગળ વધારવાની અને વિશ્વભરમાં તેમની વિશાળ સફળતામાંથી શીખવાની રાહ જોઇ રહ્યા છીએ.એમ તેમણે ઉમેર્યું હતું.
ભૂતાનના મુખ્ય હાઇડ્રોપાવર વિકાસકાર ડીજીપીસીને દેશના નવીનીકરણીય ઉર્જા સંસાધનોના સંચાલનમાં દાયકાઓનો વિશાળ અનુભવ છે અને ભૂતાનની સ્વચ્છ ઉર્જા યાત્રામાં તેની મુખ્ય ભૂમિકા રહી છે જે સ્થાનિક ઉર્જા સુરક્ષા અને ટકાઉ વિકાસ બંનેમાં યોગદાન આપે છે. આવી ભાગીદારીઓ મારફત ડીજીપીસી પ્રાદેશિક ઉર્જા સહયોગમાં ભૂતાનની સ્થિતિને મજબૂત બનાવવામાં પણ મદદ કરી રહી છે.
ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રનો અગ્રીમ અદાણી સમૂહ પ્રકલ્પ વિકાસ, ધિરાણ અને બજાર પ્રવેશમાં વ્યાપક કુશળતા ધરાવે છે. તે ભૂતાનને તેની હાઇડ્રો પાવર ક્ષમતા વધારવા અને ભારતીય ઉર્જા બજારોમાં પ્રવેશની સુવિધામાં બળ આપશે.
અદાણી આ સહયોગના ભાગ રૂપે પ્રાદેશિક ઉર્જા વેપારમાં ભૂતાનની ભૂમિકાને વધુ મજબુત બનાવતા ભારતના વ્યાપારી વીજ બજારો સાથે વિશ્વસનીય પાવર ઓફટેક અને એકીકરણની ખાતરી કરશે. ભૂતાનની શાહી સરકાર અને ભારત સરકાર દ્વારા આ ભાગીદારીને ભારપૂર્વક સમર્થન આપવામાં આવ્યું છે, જેમાં સ્વચ્છ ઉર્જા વૃદ્ધિ અને આર્થિક એકીકરણ માટે વહેંચાયેલ દ્રષ્ટિને રેખાંકિત કરવામાં આવી છે.
આ પહેલ ભૂતાનના નવીનીકરણીય ઉર્જા રોડમેપ સાથે પણ સંલગ્ન છે, જેનો હેતુ 2040 સુધીમાં 20,000 મેગાવોટ ઉર્જા ઉત્પાદનની ક્ષમતા હાંસલ કરવાનો છે.આ રોડમેપ સૌર અને ભૂસ્તર ઉર્જામાં વિવિધતાને પ્રાધાન્ય આપીને રોકાણ અને નવીનતાને આકર્ષવા માટે વ્યૂહાત્મક ભાગીદારીને પણ પ્રોત્સાહિત કરે છે.
વધુ એક સીમાચિહ્નરૂપે ડીજીપીસી અને અદાણીએ વાંગ્ચુ પ્રકલ્પ માટે શેરહોલ્ડરોના કરારની પણ શરૂઆત કરીને ભુતાનના હાઇડ્રોપાવર ક્ષેત્રને આગળ વધારવાના તેમના સહયોગી પ્રયત્નોમાં નોંધપાત્ર પ્રગતિને અંકીત કરી છે.