ભારતના ઓપરેશન સિંદુરનો ફટકો ખાધા બાદ પાકિસ્તાને હવે જમ્મુ-કાશ્મીરથી પંજાબ સુધીની આંતરરાષ્ટ્રીય સરહદ તથા અંકુશ રેખા પર સતત યુદ્ધ વિરામનો ભંગ કરીને રહેણાંક ક્ષેત્રોમાં તોપમારો કરતા અને ગોળીબાર પણ ચાલુ રાખતા છેલ્લા 24 કલાકમાં 4 બાળકો સહિત 15 ભારતીય નાગરિકોની ખુવારી થઈ છે અને ભારતીય દળો પણ વળતો જવાબ આપી રહ્યા છે.
ભારત સાથે પુર્ણ યુદ્ધ છેડવાની શક્તિમાં નહી રહેલા પાકે હવે સીમા પર સતત ઉશ્કેરણી ચાલુ જ રાખી છે અને કાશ્મીરમાં કુપવાડા-બારામુલ્લા અને ઉરી તથા અખ્નૂર ક્ષેત્રમાં તોપમારો તથા ગોળીબાર ચાલુ જ રાખ્યા છે.
કૂપવાડા જીલ્લા અંકુશ તથા અમો સીમા પર ગ્રામીણ ક્ષેત્રમાં તોપમારો કર્યો હતો. પુંછ, બારામુલ્લા, રાજૌરી સહિતના જીલ્લામાં પણ પાકદળોને યુદ્ધ વિરામ ભંગ ચાલુ રહ્યા છે અને ભારતે 4 બાળકો સહિત 15 નાગરિકોની ખુવારી સહન કરવી પડી છે તથા 57 ઘાયલ થયા છે.
સેનાએ ગ્રામીણ ક્ષેત્રમાંથી લોકોને સલામત સ્થળો પર ખસેડવાની કાર્યવાહી શરુ કરી છે તથા પાક તોપના નાળચા શાંત કરવા આકરો જવાબ આપવાનું શરૂ કર્યુ છે. કાશ્મીરમાં ખીણ ક્ષેત્રમાં શાળા-કોલેજો સતત બંધ રાખવામાં આવ્યા છે.
કાશ્મીર યુનિ.ની પરીક્ષામાં પણ પાછળ ઠેલવામાં આવી છે. જમ્મુ-શ્રીનગર-લેહ ક્ષેત્રમાં સેનાનું પેટ્રોલીંગ વધારી દેવાયુ છે. પાકે પુંછ ક્ષેત્રમાં ગુરૂદ્વારાને પણ તોપમારાનું નિશાન બનાવ્યુ હતું.
જેમાં 4 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હતા. પાક સેનાના તોપમારામાં એક ભારતીય સૈનિક લાન્સ નાયક દિનેશકુમાર શહીદ થયા છે. પુંછ જીલ્લામાં થયેલા તોપમારામાં તેઓએ પોતાનું બલીદાન આપ્યુ હતું.
પંજાબમાં પણ અમૃતસર વિમાની મથક હજુ બંધ જ રખાયુ છે. આજે પણ શાળા-કોલેજોમાં રજા રાખવામાં આવી છે. પંજાબમાં ભરીન્ડા માટે એક અજાણુ ડ્રોન તૂટી પડતા એક ખેડૂતનું મૃત્યુ થયુ હતું. ભટીન્ડાના કાલાન ગ્રામ્ય ક્ષેત્રમાં આ ઘટના બની હતી. આ ડ્રોન સરહદ પરથી આવ્યુ હોવાનુ માનવામાં આવે છે.