કાશ્મીરના પહેલગામમાં આતંકી ઘટના બાદ ભારત-પાક. વચ્ચેની તનાવભરી પરિસ્થિતિમાં ગત મધરાત્રે ભારતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કર્યાની સાથે દેશભરના 16 એરપોર્ટને ત્રણ દિવસ માટે બંધ કરવાના આદેશના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના એરપોર્ટમાં ‘નોટમ’ જાહેર કરી તમામ સિવિલ ફલાઇટ બંધ કરવાના આદેશના પગલે રાજકોટ એરપોર્ટ આજથી ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે.
આજે વારે રાજકોટ એરપોર્ટની તમામ ફલાઇટો કેન્સલ થતા મુસાફરોમાં દોડધામ મચી હતી સાથે હવાઇ માર્ગે મુંબઇ, દિલ્હી, બેંગ્લોર, ગોવા, હૈદરાબાદ, પુના પહોંચવા અમદાવાદ એરપોર્ટ સુધી દોડી જવું પડયું હતું. ત્રણ દિવસ માટે રાજકોટ એરપોર્ટ સિવિલ ફલાઇટ માટે એરપોર્ટ બંધ કરાયું છે. પરંતુ મિલિટ્રી સેવા માટે ર4 કલાક ખુલ્લુ રહેશે.
આજે સવારે એરપોર્ટની તમામ ફલાઇટો કેન્સલ થવાની મુસાફરોને જાણ થતા અનેક મુસાફરો બસ, ટ્રેન, ટેકસી મારફત અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. રાજકોટની સાથે સૌરાષ્ટ્રનાં પોરબંદર, જામનગર અને ભુજ એરપોર્ટ ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે.
આજથી ત્રણ દિવસ તમામ એર લાઇન્સની ફલાઇટો કેન્સલ કરવામાં આવી છે. રાજકોટ એરપોટ તમામ પ્રકારની મિલિટ્રી સેવાઓ માટે 24 કલાક ખુલ્લુ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુધ્ધના ભણકારા વાગતા અગાઉ ઇન્ટરનેશનલ ફલાઇટને ઇમરજન્સી લેન્ડીંગ, ફયુલ પુરાવવા માટે મંજુરી આપવામાં આવી હતી સાથે ઇમીગ્રેશન અને કસ્ટમ વિભાગ પણ કાર્યરત કરાયો હતો.
ત્યારબાદ ગત રાત્રે જ ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કર્યાના પગલે એરપોર્ટ બંધ કરી માત્ર મિલિટ્રી સેવા માટે ખુલ્લુ રાખવામાં સરકારે નિર્ણય લીધો છે. યુધ્ધની પરિસ્થિતિમાં સેનાના યુધ્ધ વિમાનો ફાઇટર પ્લેનો માટે સજજ હોવાથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ મિલિટ્રી અને વાયુસેનાને ઉપયોગી નિવડશે સાથે યુધ્ધની પરિસ્થિતિમાં રાજકોટનું એરપોર્ટ મહત્વની ભૂમિકા પુરી પાડશે.