અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સમિતિની ત્રણ દિવસીય બેઠક પૂરી થઈ ગઈ છે. જેમાં અનેક મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. આ બેઠકમાં પરકોટાને મુખ્ય મંદિર સાથે જોડવાની વ્યવસ્થાની સાથે પરિસરમાં સ્થાપિત ફાઇબરના કામચલાઉ મંદિરને મજબૂત કરવા અને તે જ સ્થળે ફરીથી સ્થાપિત કરવા સંમતિ થઈ હતી.
મંદિરનાં 70 એકરના કેમ્પસમાં 60 ટકા વિસ્તારમાં હરિયાળી યોજના શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં પંચવટી બગીચો પણ 8 એકરમાં બનાવવામાં આવશે. તેમાં રામાયણ કાળનાં છોડ અને ફૂલો હશે અને રામાયણ યુગનાં દર્શાવવા માટે પ્રસ્તુતિઓની વ્યવસ્થા કરવામાં આવશે.
આ બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી અને સમિતિનાં અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ બેઠકમાં મંદિર ટ્રસ્ટનાં સભ્યો ઉપરાંત ક્ધસ્ટ્રક્શન કંપનીની એન્જિનિયરિંગ ટીમનાં અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. મંદિર નિર્માણ સમિતિનાં અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, મુખ્ય મંદિરને મંદિરનાં પરકોટા સાથે જોડવા માટે પશ્ચિમ તરફથી પુલ અને લિફ્ટ બનાવવામાં આવી રહી છે.
આનાથી ભક્તોને પરકોટાના મંદિરોથી મુખ્ય મંદિર સુધી પહોંચવામાં સુવિધા મળશે. પહેલાં માળનાં તમામ દરવાજા પર સોનું લગાવવું જોઈએ કે નહીં તે અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
કામચલાઉ મંદિર એક જોવા લાયક સ્થળ બનશે
નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, ત્રીજા દિવસની બેઠકમાં મંદિર પરિસરમાં સ્થાપિત કામચલાઉ મંદિરને મજબૂત કરવા અંગે ગંભીર ચર્ચા થઇ હતી. હાલ જ્યાં ફાઇબરનું આ મંદિર સ્થાપિત છે, ત્યાં તે ખૂબ જ ઊંચાઇ પર છે. તેને નીચે ઉતારવાનો નિર્ણય લેવાયો હતો. તે લાકડાના પાયા પર ઉભું હોવાથી મંદિરની ઇમારતની તુલનામાં તેની મજબુતાઈ પણ ખૂબ ઓછી છે.
હવે નક્કી થયું છે કે, તેને પણ મજબૂત કરીને ફરીથી તે જ જગ્યાએ લગાવવામાં આવે. વાસ્તવમાં રામ લાલાની પૂજાનો ઈતિહાસ આ અસ્થાયી મંદિર સાથે 1949થી જોડાયેલો છે. તેને સાચવવા માટે જે સમય પર રામ લાલાજી અસ્થાયી મંદિરમાં બિરાજમાન હતાં, તે સમયની ગાદી, જે બોરીક્લોથ મંદિરમાં રામ લાલાએ લાંબો સમય વિતાવ્યો હતો, તે પણ તેમાં સચવાશે.
મંદિર ટ્રસ્ટનાં જનરલ સેક્રેટરી ચંપતરાય પાસે ગાદીને સુરક્ષિત રાખવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, એક કામચલાઉ મંદિર પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમણે કહ્યું કે, રામ મંદિરનાં શિખર પર બે લાઈટ લગાવવામાં આવી છે. તેમાંથી એક ઉડ્ડયન સંકેત છે જે વિમાન માટે સૂચક તરીકે કામ કરશે અને બીજું એક અરેસ્ટર છે જે રામ મંદિરને વીજળીથી બચાવવા માટે સ્થાપિત કરવામાં આવ્યું છે.
તે સીધી જમીનમાં વીજળી મોકલશે. મિશ્રાના જણાવ્યાં મુજબ શિખર પર માત્ર ધ્વજ લગાવવાનું કામ બાકી છે. ત્રણથી ચાર મહિના પછી શીખર બનાવવામાં આવશે. શિખરનું નિર્માણ કાર્ય પણ 30 જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે.