કાશ્મીરનાં પહેલગામમાં 28 પ્રવાસીઓનો ભોગ લેનારા ભયાનક ત્રાસવાદી હુમલા બાદ ભારતે તમામ પાકિસ્તાની નાગરિકોનાં વિઝા રદ કરીને દેશ છોડી જવાનું ફરમાન કર્યું જ છે.
ગુજરાતમાં પાકિસ્તાની ઉપરાંત બાંગ્લાદેશી ઘુસણખોરો પર પણ તવાઈ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ તથા સુરતમાં મેગા ઓપરેશનમાં 589 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી તે પૈકીનાં કેટલાક પાસે તો આધારકાર્ડ પણ મળી આવતા પોલીસતંત્ર પણ ચોંકી ઉઠયુ હતું.
અમદાવાદમાં બાંગ્લાદેશી ઘુસણખોરોને દોરડા બાંધીને લઈ જવાના રસ્તા પર લાઈનો લાગી હતી. પહેલગામ હુમલા બાદ વિઝાના આધારે ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોનાં પણ તા.27 સુધીમાં પરત જવાનું અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યુ જ છે.
કેન્દ્ર સરકારની સુચના મુજબ ગુજરાત સરકારે ગઈકાલે જ તમામ કલેકટરો તથા પોલીસ વડાઓને વિઝા ધારક માટે નાગરિકોને કાર્યવાહી કરવાની સુચના આપી હતી.અમદાવાદ તથા સુરતમાં પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
અમદાવાદમાં પોલીસ સહિતની સુરક્ષા ટીમોની એજન્સીઓ ચંડોળા તળાવ સહિતના ચોકકસ વિસ્તારોમાં ત્રાટકી હતી અને 457 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી. દોરડા બાંધીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને તેમનાં દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ ઉપરાંત સુરતમાં પણ મોડી રાત્રે પોલીસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ઘુસણખોરો પર ઓપરેશન હાથ ધર્યુ હતું. સચીન, ઉન, લાલગેટ તથા લીંબાયત જેવા વિસ્તારોમાંથી 132 બાંગ્લાદેશીઓને અટકમાં લેવામાં આવ્યા હતા. સુત્રોએ એવો દાવો કર્યો હતો કે કેટલાંક પાસેથી તો આધારકાર્ડ પણ મળી આવ્યા છે. તે નકલી દસ્તાવેજોનાં આધારે બનાવાયા છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે. સુત્રોએ કહ્યું કે પોલીસ ઉપરાંત એસઓજી, ઈઓડબલ્યુ, હેડ કવાર્ટસ, સહિતની ટીમોને પણ દરોડા કાર્યવાહીમાં સામેલ કરવામાં આવી હતી.