ધરતી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરનાં પહેલગામમાં ત્રાસવાદીઓએ આચરેલા નરસંહારથી સમગ્ર દેશ હચમચી ગયો છે.મંગળવાર બપોર સુધી કૂદરતી સૌદર્યની મજા માણતા પ્રવાસીઓથી ધમધમતું કાશ્મીર હવે સુમસામ બની ગયુ છે.
પ્રવાસીઓને પરત ફરવા માટે ઘસારો છે. ત્રાસવાદી હૂમલાથી ભયભીત પ્રવાસીઓને હેમખેમ પરત મોકલવા માટે વધારાની વિમાની-રેલ સેવા શરૂ કરવામાં આવી છે. આ ઘટનાક્રમથી હવે કાશ્મીરનો પ્રવાસન ઉદ્યોગ ભાંગી પડવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.
ધરતી પરનુ સ્વર્ગ અચાનક નર્કમાં ફેરવાઈ ગયાનો ઘાટ સર્જાયો છે. કુદરતી સૌદર્યથી ભરપુર રાજયનાં તમામ સ્થળો પરથી પર્યટકો સુરક્ષીત સ્થાનોએ પાછા આવી જતા પ્રવાસીઓની કિલકારીથી ગુંજતા સ્થાનો-રસ્તાઓ સુમસામ બની ગયા છે.
કાશ્મીરમાં જ રહેલા પ્રવાસીઓએ પરત આવવાનું શરૂ કરી જ દીધુ છે. બીજી તરફ આવનારા દિવસોમાં પ્રવાસન બુકીંગ કરાવનારાઓના બુકીંગ પણ ધડાધડ રદ થવા લાગ્યા છે. એક જ દિવસમાં કાશ્મીરનો પ્રવાસન ઉદ્યોગ ભાંગી પડવાના આરે આવી ગયો છે.
હુમલાના 30 કલાકમાં જ અંદાજીત 15000 થી વધુ પ્રવાસીઓ વિમાન માર્ગે પરત ગયા છે. 50 જેટલી ફલાઈટોએ ઉડાન ભરી હતી. રેલવે તથા માર્ગ પરિવહન મારફત પણ પણ સેંકડો પ્રવાસીઓ પરત ફરી ગયા છે.
સરકારી તથા હોટેલ વ્યવસાયીઓ ટુર ઓપરેટરોએ કહ્યું કે માત્ર પહેલગામ જ નહિં, શ્રીનગર-ગુલમર્ગ-સોનમર્ગ જેવા રાજયનાં અન્ય સ્થળોમાંથી પણ પ્રવાસીઓની વાપસી થઈ છે.
ઓનલાઈન ટુર ઓપરેટર કંપની કલીયર ટ્રીપનાં અધિકારી મંજરી સિંઘલે કહ્યું કે શ્રીનગર ફલાઈટ કેન્સેલેશનમાં સાત ગણો વધારો જોવાયો છે અને હજુ વધુ કેન્સલેશન આવી શકે છે. મેક માય ટ્રીપનાં પ્રવકતાએ કહ્યું કે મુશ્કેલ સમયમાં પ્રવાસીઓની મદદ માટે લોકલ હોટેલ-ટુર ઓપરેટરો સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. ટ્રાવેલ્સ ક્ષેત્રનાં સુત્રોએ કહ્યું કે માત્ર કાશ્મીર જ નહિં. લોકો જમ્મુ જવામાં પણ ભય અનુભવી રહ્યા છે.વૈષ્ણોદેવીના બુકીંગ પણ રદ થઈ રહ્યા છે. પહેલ ગામમાં આતંકી હુમલાથી ભયભીત પ્રવાસીઓમાં જે વ્યવસ્થા થાય તેમાં પરત ફરી જવાનો માહોલ રહ્યો છે અને સૌદર્યથી ભરપુર કાશ્મીર સુમસામ ભાસવા લાગ્યુ છે.