વિલે પાર્લે ઈસ્ટના કામલીવાડી વિસ્તારમાં આવેલું 26 વર્ષ જૂનું 1008 પાર્શ્વનાથ દિગંબર જૈન દેરાસર ગેરકાયદેસર હોવાનું જણાવી તા.16ના બુધવારના પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાપાલિકાએ તોડી પાડયું હતું.
આ દેરાસર માટે છેક સુપ્રીમ કોર્ટ સુધી કેસ ચાલ્યો હતો પરંતુ દેરાસરની તરફેણમાં ફેંસલો આવ્યો નહતો. છેલ્લી ઘડીએ શ્રાવકો ડીપોલીશન અટકાવવા માટે (સ્ટે) કોર્ટમાં ગયા હતા પરંતુ સ્ટે માટે સુનાવણી થાય તે પહેલા જ ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જૈન શ્રાવકોએ કોર્ટમાં સુનાવણી શરૂ થાય ત્યાં સુધીમાં રોકાઈ જવા આજીજી કરી હતી પરંતુ તેમને લાઠીચાર્જ કરી ભગાડી દેવામાં આવ્યા હોવાનો આરોપ છે.
મુંબઈ મહાપાલિકાના અધિકારીઓએ એવો દાવો કર્યો કે આ દેરાસરનો કેસ છેલ્લા 20 વર્ષથી વિવિધ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સીટી સિવિલ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ મામલો પહોંચ્યો હતો, પરંતુ દસ્તાવેજોના અભાવે કોર્ટ દ્વારા આ દેરાસરની જગ્યા ગેરકાયદેસર હોવાનું નોંધવામાં આવ્યું હતું. તોડકામ પર કોઈ સ્ટે નહિ હોવાથી અમે આ દેરાસર તોડી પાડયું છે.
આ અંગે દેરાસરના ટ્રસ્ટી અનિલ શાહે જણાવ્યું હતું કે કામલીવાડી પરિસરની સોસાયટી અને પાલિકાના અધિકારીઓની મિલીભગતથી અહીં દેરાસરનું તોડકામ થયું છે. આ દેરાસરનું સ્ટ્રકચર 1935નું છે. મહાપાલિકાના નિયમ અનુસાર વર્ષ 1961-62 પહેલાનાં કોઈપણ સ્ટ્રકચર કાયદેસર ગણાય છે. અહીં માત્ર સ્ટ્રકચર હતું.
એમાં દેરાસર ઉભું કરાયું હતું. આશરે 400થી વધુ જૈન શ્રાવકોનું આસ્થાનું પ્રતીક ગણાતા એવા દેરાસરને તોડી પાડવામાં આવ્યું છે, પરંતુ અમે અત્યારે ફરી પ્રભુજીની પ્રતિમા મૂકીને પૂજા પાઠ કરી રહ્યા છીએ. ફરીને દેરાસરનું નિર્માણ કરવા અમે તમામ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીશું. અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે એવી જોરદાર માંગણી કરીશું.
વિલે પારલે વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય પરાગ અલવણીએ જણાવ્યું હતું કે મેં ડિમોલીશન પહેલાં જ પાલિકાના અધિકારીઓને વિનંતી કરી હતી કે તેઓ અદાલતમાં ગયા છે. તેમને સમય આપો. દેરાસરના ટ્રસ્ટીઓનો પક્ષ સાંભળવાનો મોકો આપો. પરંતુ પાલિકાએ કોઈની વાત સાંભળ્યા વગર અગાઉ કોર્ટે આપેલા આદેશ મુજબ ગેરકાયદેસર ગણાવીને દેરાસર તોડી પાડયું છે.
જયારે અનિલ શાહે જણાવ્યું કે હકીકતમાં અહીં સ્ટ્રકચર હતું અને વર્ષ 1998માં અમે સ્ટ્રકચરમાં દેરાસર બાંધ્યું હતું. વર્ષ 2005માં જે પ્લોટ પર દેરાસર બાંધ્યું હતું. તેને આરક્ષિત હોવાનો દાવો કરીને પાલિકાએ અમને નોટિસ આપી હતી. ત્યારથી અમારી કાયદાકીય લડતનો આરંભ થયો હતો. સિટી સિવિલ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે અમારૂ મંદિર ગેરકાયદે છે.
પરંતુ સુપ્રીમ કોર્ટના છેલ્લા આદેશમાં અમને નીચલી કોર્ટમાં તમામ દસ્તાવેજો રજૂ કરવા માટે આઠ દિવસની છૂટ આપી હતી અને તે માટેની અમારી પ્રક્રિયા પણ ચાલુ હતી તે દરમિયાન અમને નોટિસ આપી કે દેરાસરનું ડિમોલીશન કરવામાં આવશે. એટલે અમે તાત્કાલિક પાછા હાઈકોર્ટમાં ગયા હતા.
અમને રાહત મળવાની જ હતી પણ સવારે નવ વાગે પાકા પોલીસ બંદોબસ્ત હેઠળ પાલિકાએ દેરાસરને તોડી પાડયું હતું. આ તોડકામ દરમિયાન શ્રાવકો વિરોધ કરતા અફડાતફડી મચી હતી. પોલીસે બળજબરી કરીને હળવો લાઠીચાર્જ સુધ્ધા કર્યો હતો.
દરમિયાન અખિલ ભારતીય જૈન અલ્પસંખ્યક મહા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ લલિત ગાંધીએ વિલે પારલેના 1008 પાર્શ્વનાથ દિગંબર જૈન દેરાસરને પાલિકાએ તોડી પાડવાનો વિરોધ કર્યો છે. આ અંગે રાજયના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને પત્ર લખીને પાલિકાના અધિકારી સામે તાત્કાલિક કાર્યવાહી કરવા અને દેરાસરનું પુન:નિર્માણ કરાવવાની પણ માંગણી કરી છે.
મંદિર ધ્વંશના વિરોધમાં 10 હજાર જૈનોની રેલી નીકળી
મુંબઈના વિલે પાર્લેના કાંમલીવાડી સ્થિત શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિરને મહાપાલિકાએ ધ્વંશ કરી દેતા દેશભરના જૈનોમાં ભારે આક્રોશ છવાયો છે. મંદિર ધ્વંશના વિરોધમાં આજે તા.19ના શનિવારે સવારે 9-30 કલાકે અહિંસક રેલી નીકળી હતી. જેમાં દસ હજારથી વધુ જૈનો જોડાયા હતા. આ રેલીમાં મંત્રી મંગલપ્રભાત લોઢા, વિધાયક પરાગ અલવાણી અને દિગંબર, દેરાવાસી સમાજના સંતો જોડાયા હતા.
મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર છે. બી.એમ.સી.નો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂકયો છે. જેથી તેની જવાબદારી સરકારની પાસે છે. બી.એમ.સી.એ મંદિરને તોડવાના સબંધે પ્રબંધ સમિતિને જાણ કરી હતી. જૈન સમુદાયે તેની વિરૂધ્ધ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.
આ મામલાની સુનાવણી ગુરૂવારે નકકી થઈ હતી પરંતુ તેની પહેલા તા.16ના બુધવારે બી.એમ.સી.ની ટીમે મંદિરને ધ્વંશ કરી દીધું હતું. બી.એમ.સી. દ્વારા કરાયેલી કાર્યવાહીના દેશભરના જૈન સમુદાયમાં ઘેરા પડઘા પડયા છે અને આક્રોશ છવાયો છે.
મુંબઈમાં દિગંબર જૈન મંદિરને તોડી પડાયું છતાં રાજકોટના જૈન સમાજમાં વિરોધનો સૂર કેમ નથી?રાજકોટ તા.19
મુંબઈના વિલેપાર્લેમાં આવેલ 1008 શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિરને બી.એમ.સી. દ્વારા તા.16ના બુધવારે તોડી પાડવામાં આવ્યું અને આજે મુંબઈમાં 10 હજાર જૈનોની અહિંસક મૌન રેલી દ્વારા તંત્રની કાર્યવાહી સામે આક્રોશ વ્યકત કરાયો હતો.
આ ઘટનાના સંદર્ભે રાજકોટનો જૈન સમાજ કેમ મૌન રાખીને બેઠો છે તે વિચારણીય છે. આ અંગે રાજકોટમાં રેલી, આવેદન આપવા માટે હજુ સુધી બેઠક મળી ન હોવાનું જાણવા મળેલ છે. આ માત્ર એક ફિરકાનો પ્રશ્ન નથી. જૈનોના ચારેય ફીરકાનો પ્રશ્ન છે.
દિગંબર જૈન મંદિર તોડી પડાતા જૈનો આકરા પાણીએ: વિરાટ અહિંસક મહારેલી યોજાઈ
મુંબઈમાં વિલે પાર્લેના દિગંબર જૈન મંદિરને બી.એમ.સી.એ બુલડોઝર ફેરવી દેતા સમસ્ત જૈન સમાજમાં આક્રોશ ફેલાયો છે આજે મુંબઈમાં 10 હજાર જૈનોની અહિંતક મહારેલી નીકળી હતી જેમાં દિગંબર તથા શ્વેતાંબર મૂર્તિપુજકના સાધુ ભગવંતો, મંત્રી મંગલપ્રભાત સોઢા, વિધાયક તથા દિગંબર જૈન સમાજના અગ્રણીઓ તેમજ જૈનોના અન્ય ફીરકાના આગેવાનો જોડાયા હતા.
મંચ પર બી.એમ.સી. દ્વારા થયેલી કાર્યવાહી સામે વકતાઓએ આક્રોશ વ્યકત કર્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને પત્ર પાઠવીને અધિકારી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેમજ દેરાસરનું પુન:નિર્માણ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી.