મુંબઈ બોંબધડાકા કેસનાં માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાને ભારતમાં લાવવામાં સફળતા મળ્યા બાદ ભારતીય એજન્સીઓને વધુ એક મહત્વની સફળતા મળી છે. પંજાબમાં બોંબ ધડાકાની 14 ઘટનાઓનાં સુત્રધાર હરપ્રિતસિંહ ઉર્ફે હૈપ્પી પાસીયાની અમેરિકામાં ધરપકડ કરી લેવામાં આવી છે.
અમેરિકામાં ગેરકાયદે ઘુસીને વસવાટ કરતાં હૈપ્પી પાસીયાની ઈમીટેશન વિભાગે ધરપકડ કરી છે. છેલ્લા છ મહિનામાં પંજાબમાં થયેલા 14 બોમ્બ ધડાકા-આતંકવાદી હુમલાનો સુત્રધાર ગણાય છે અને ભારતના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીઓનાં લીસ્ટમાં પણ તેનું નામ સામેલ છે. તેના માથા પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. તેને હવે અમેરિકી ઈમીગ્રેશન વિભાગની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.
ભારતીય સુરક્ષા એજન્સીના સુત્રોએ કહ્યું કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ તથા બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે હાથ મિલાવીને તેણે પંજાબમાં બોંબ વિસ્ફોટ તથા આતંકવાદી કૃત્યોને અંજામ આપ્યો હતો. હૈપ્પી પાસીયાએ પંજાબનાં પોલીસ મથકોને પણ નિશાન બનાવ્યા હતા અને સોશ્યલ મિડિયા મારફત હુમલાની જવાબદારી પણ લીધી હતી.
23 નવેમ્બર 2024 થી 16 એપ્રિલના સમયગાળામાં 14 હુમલા કરાયા હતા. અમૃતસર, નવા શહે, બટાલા, ગુરદાસપુર, જેવા શહેરોમાં હુમલા કરાયા હતા. ભાજપ નેતા મનોરંજન કાલીયાના નિવાસે તથા બે દિવસ પૂર્વે એક યુ ટયુબરનાં ઘર પર ગ્રેનેડ હુમલામાં પણ તેની સંડોવણી હતી.
અમેરિકી ઈમીગ્રેશન એજન્સીએ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ ‘એકસ’ મારફત જાહેરાતમાં કહ્યું કે ભારતનાં હજાબમાં આતંકવાદી હુમલામાં સંડોવાયેલા કથિત આતંકવાદી હરિપ્રિતસિંહને એફસીઆઈએ સૈસમેંટોથી પકડી લીધો છે તે બે આંતર રાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠનો સાથે સંકળાયેલો છે. તે ગેરકાયદે અમેરિકામાં ઘુસ્યો હતો અને સુરક્ષા એજન્સીઓની પકકડથી બચવા માટે બર્નર ફોનનો ઉપયોગ કરતો હતો.
હૈપ્પી પાસીયાની ધરપકડ પંજાબ પોલીસ તથા નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) માટે મહત્વની છે. ચંદીગઢમાં પોલીસ અધિકારીના ઘર પર ગ્રેનેડ હુમલો થયાની ઘટના બાદ તે ચર્ચામાં આવ્યો હતો આ ઘટનાની જવાબદારી તેણે લીધી હતી.
અમેરિકામાં હૈપ્પી પાસીયાની ધરપકડ બાદ તેના પ્રત્યાર્પણ માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબમાં વિવિધ હુમલામાં સામેલ શકમંદોની પૂછપરછ દરમ્યાન હૈપ્પી પાસીયાનુ નામ જ ઉપસતુ હતું. નાણાની લાલચ આપીને સ્થાનિક યૂવકોને ગ્રેનેડ ફેંકવાનાં કૃત્યોમાં સામેલ કરતો હતો.
હરપ્રિતસિંહ અમૃતસરના પાસીયા ગામનો વતની હોવાથી તેનું અપરાધ જગતમાં નામ હૈપ્પી પાસીયા પડી ગયુ હતું. પાકિસ્તાન સ્થિત આતંકવાદી હરવિંદરસિંહ હિંદાની નજીક ગણાય છે.