IIT-JEE ના પરિણામો પહેલા, સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેક્શન ઓથોરિટી એ ગુરૂવારે કોચિંગ સંસ્થાઓને ભ્રામક જાહેરાતો અંગે ચેતવણી આપી હતી. CCPA એ કોચિંગ સંસ્થાઓને કડક સૂચના આપી છે કે, તેઓ તેમની જાહેરાતોમાં સફળતાની કોઈ ગેરંટી ન આપે.
CCPA એ કહ્યું છે કે, કોચિંગ સંસ્થાઓએ વર્ષ 2024 માં જારી કરાયેલ માર્ગદર્શિકાનું કડક પાલન કરવું જોઈએ. કોચિંગ સંસ્થાઓએ વિદ્યાર્થીઓના હિતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમણે એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી વિદ્યાર્થીઓને નુકસાન થાય.
સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોચિંગ સંસ્થાઓએ એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમની રજૂઆતો સાચી, સ્પષ્ટ અને કોઈપણ મૂંઝવણ વિનાની હોય. આ સાથે, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની જાહેરાતમાં દર્શાવેલ વિદ્યાર્થીઓ સંબંધિત માહિતી જેમ કે તેમનું નામ, પરીક્ષામાં મેળવેલ રેન્ક, કોર્ષનો પ્રકાર અને કોઈ કોર્ષ ફી લેવામાં આવી હતી કે કેમ વગેરે ફરજિયાતપણે જણાવવી આવશ્યક છે.
વધુમાં CCPA એ કહ્યું છે કે, કોચિંગ સંસ્થાઓએ નાના અક્ષરો દ્વારા મહત્વપૂર્ણ માહિતી છુપાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. જાહેરાતમાં જે ફોન્ટમાં મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે તે જ ફોન્ટમાં ડિસ્ક્લેમર અથવા નિયમો અને શરતો સંબંધિત માહિતી શેર કરવી આવશ્યક છે. જેનાથી વિદ્યાર્થીઓ જાહેરાતની દરેક માહિતીથી પરિચિત થશે.
CCPA કોચિંગ સંસ્થાઓની ભ્રામક જાહેરાતો સામે સતત કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ કેસમાં 49 નોટિસ જારી કરવામાં આવી છે. 24 કોચિંગ સંસ્થાઓ પર કુલ 77.60 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઓથોરિટીએ કોચિંગ ઓપરેટરોને તમામ સંજોગોમાં નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.