દેશમાં ભરઉનાળામાં ડબલ સિઝન સર્જાય હોય તેમ ગુજરાત સહિતના રાજયોમાં પ્રચંડ ગરમીનો પ્રકોપ છે જયારે ઉતર-પશ્ર્ચીમના પર્વતીય રાજયોમાં ભારે વરસાદ તથા આંધી-તોફાનનો કહેર રહ્યો હતો.
દેશના મધ્ય ભારતમાં સૂર્યકોપ રહ્યો છે. ગુજરાત-પંજાબ જેવા રાજયોમાં તાપમાનનો પારો 43 ડીગ્રી જયારે રાજસ્થાનમાં 45 ડીગ્રીને પાર થયો છે. હવામાન વિભાગે આવતા બે દિવસ માટે રાજસ્થાન તથા ગુજરાત માટે હીટવેવનુ એલર્ટ જારી કર્યુ છે.
બીજી તરફ હિમાચલ પ્રદેશ સહિત પશ્ચિમી હિમાલયન ક્ષેત્રોમાં વરસાદ અને કરાવૃષ્ટિનો દોર 20 એપ્રિલ સુધી ચાલુ રહેવાનુ અનુમાન દર્શાવાયુ છે. હિમાચલપ્રદેશમાં વરસાદ તથા કરાવૃષ્ટિનુ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે આવતા ત્રણ દિવસે મધ્યભારતમાં તાપમાનમાં વધુ 2થી3 ડીગ્રીનો વધારો થવાની સંભાવના છે. મહારાષ્ટ્ર-ગુજરાતમાં બે દિવસમાં તાપમાનમાં ત્રણ ડીગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.
રાજસ્થાનમાં આવતીકાલ સુધી હીટવેવની સંભાવના છે. ઉતરપ્રદેશમાં રાત્રીનું તાપમાન પણ ઉંચુ રહી શકે છે. પંજાબમાં તાપમાન 43.3 ડીગ્રીએ પહોંચી ગયુ છે.
બીજી તરફ પર્વતીય રાજયોમાં વરસાદ સાથે આંધી ફુંકાઈ હતી. 80 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદમાં મકાનોની છત, વૃક્ષો-થાંભલા ઉખડી ગયા હતા. મકાનોના કાચ પણ તૂટી ગયા હતા. નવુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ હતી.
લાહૌલ ઘાટીના ઉંચાઈવાળા ભાગોમાં હળવી હિમવર્ષા તથા મેદાની ભાગોમાં વરસાદ થયો હતો. પરિણામે તાપમાનનો પારો નીચે સરકયો હતો. બદલતા હવામાન વચ્ચે મનાલી-લેહનો માર્ગ આ વર્ષે એક મહિનો મોડો ખોલવાની જાહેરાત કરવામાં આવ્યુ છે.
હજુ 57 કી.મી.ના માર્ગ પર બરફ-કાટમાળ હટાવવાનું બાકી છે. 13000 ફુટની ઉંચાઈ ધરાવતા માર્ગ પર સતત હિમવર્ષા વચ્ચે અત્યારે પણ તાપમાન માઈનસ 12 ડીગ્રી છે અને અનેક સ્થળે 40-50 ફુટની બરફની દિવાલો છે.