સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાએ ગુરુવારે ફાઇનાન્સ બિલ ૨૦૨૫ને ચર્ચા બાદ લોકસભામાં પરત કર્યું. તેનો અર્થ એ છે કે, રાજ્યસભાએ પણ ફાઇનાન્સ બિલ ૨૦૨૫ને મંજૂરી આપી દીધી છે. ફાઇનાન્સ બિલ પાછું ખેંચી લેવાથી બજેટ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
આ પ્રક્રિયા ૧ ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ થયા બાદ શરૂ થઈ હતી. ઉપલા ગૃહે પણ વિનિયોગ બિલ (૩)ને ધ્વનિ મત દ્વારા લોકસભામાં પરત કર્યું છે. સંસદના નીચલા ગૃહ લોકસભાએ ૨૫ માર્ચે નાણાં બિલ અને ૨૧ માર્ચે વિનિયોગ બિલ પસાર કર્યું હતું.
આ બિલ ૧ એપ્રિલ ૨૦૨૬થી અમલમાં આવશે. એટલે કે આવકવેરા વિભાગને આગામી નાણાંકીય વર્ષથી નવી કાનૂની સત્તાઓ મળવા જઈ રહી છે. આવકવેરા અધિનિયમ ૧૯૬૧ની કલમ ૧૩૨ હેઠળ આવકવેરા વિભાગને હવે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, ઈ-મેલ, બેંક એકાઉન્ટ્સ, ઓનલાઈન રોકાણ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સ તપાસવાનો કાનૂની અધિકાર મળ્યો છે.
શું બદલાશે?
જો આવકવેરા વિભાગને શંકા હોય કે તમે કરચોરી કરી છે અથવા તમારી પાસે બેનામી મિલકત, રોકડ, સોનું, ઝવેરાત અથવા અન્ય કિંમતી વસ્તુઓ છે, તો અધિકારીઓ તમારી ડિજિટલ માહિતીની તપાસ કરી શકે છે.
અગાઉના અધિકારીઓ માત્ર ઘરો, તિજોરીઓ અને લોકરની જ તપાસ કરી શકતા હતા. પરંતુ ૧ એપ્રિલ ૨૦૨૬થી આ અધિકાર ડિજિટલ સ્પેસમાં પણ વિસ્તરશે. હવે જો ટેક્સ ચોરી સંબંધિત માહિતી ઓનલાઈન છુપાવવાની આશંકા હશે તો તેઓ કોમ્પ્યુટર સિસ્ટમ અને ઓનલાઈન એકાઉન્ટ પણ ચેક કરી શકશે.
૫૦ લાખ કરોડથી વધુ ખર્ચનો અંદાજ : કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬માં કુલ રૂ. ૫૦.૬૫ લાખ કરોડના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે, જે વર્તમાન નાણાંકીય વર્ષ કરતા ૭.૪ ટકા વધુ છે. આગામી નાણાંકીય વર્ષ માટે સૂચિત કુલ મૂડી ખર્ચ રૂ. ૧૧.૨૨ લાખ કરોડ છે અને અસરકારક મૂડી ખર્ચ રૂ. ૧૫.૪૮ લાખ કરોડ છે. ૪૨.૭૦ લાખ કરોડ રૂપિયાના ગ્રોસ ટેક્સ રેવન્યુ કલેક્શન અને ૧૪.૦૧ લાખ કરોડ રૂપિયાના ગ્રોસ બોરોઇંગનો પ્રસ્તાવ છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બિલ પર થયેલ ચર્ચાનો જવાબ આપતાં કહયું કે, નાણાં મંત્રાલયનું વલણ સાવધાની રાખવાનું છે અને આવકને નુકસાન ન થવા દેવાનું છે. સીતારમણે વધુમાં જણાવ્યું કે, ‘‘પરંતુ, અમે આ તકનો ઉપયોગ ભારતીય કરદાતાઓ પ્રત્યે અમારું સન્માન બતાવવા માટે કરવા માંગીએ છીએ. અમે રૂ. ૧૨ લાખની મર્યાદા (આવક વેરા માટે) નક્કી કરવાની દિશામાં એક પગલું ભર્યું છે, તે મર્યાદા સુધી કોઈએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.