નવા નાણાંકીય વર્ષના પ્રારંભે જ વાહન માલીકોને ઝટકો સહન કરવો પડે તેમ છે.વીમા કંપનીઓ દ્વારા થર્ડ પાર્ટી વાહન વીમામાં 15 થી 20 ટકાનો વધારો ઝીંકે તેવી શકયતા છે. પાંચ વર્ષથી દર યથાવત છે અને વીમા દાવાઓના વધતા બોઝને ધ્યાને રાખીને વધારો કરવાની તૈયારી છે.
વીમા ક્ષેત્રની કંપનીઓનાં સુત્રોએ જણાવ્યું હતું કે, વધતા વીમા દાવા અને ઘટતા માર્જીનથી દર વધારો અનિવાર્ય છે.થર્ડ પાર્ટી વીમાનો ખર્ચ વર્ષે 11-12 ટકાની સરેરાશથી વધે છે. જયારે છેલ્લા પાંચ-સાત વર્ષથી તેમાં વધારો માત્ર 2-3 ટકાના ધોરણે જ થયો છે.
આ સંજોગોમાં વીમા પ્રિમીયમમાં નોંધપાત્ર વધારો કરવો પડે તેમ છે. 20 ટકા વધારો કરવાની ગણતરી છે વીમા નિયમનકાર ઈરડા દ્વારા દર વર્ષે વીમાદાવાને ગણતરીમાં રાખીને થર્ડ પાર્ટી વિમા પ્રિમીયમમાં વધારાની છૂટ આપવામાં આવતી હોય છે.
વર્ષ 2013 થી 2018 માં થર્ડ પાર્ટી વિમા પ્રિમીયમમાં મોટો વધારો કરાયો હતો પરંતુ ત્યારપછીનાં સાત વર્ષોથી માત્ર 2-3 ટકાના દરે જ વધારો થયો છે. 2023 અને 2024 માં થર્ડ પાર્ટી વીમા દાવાનો રેશીયો 82 ટકા થયો છે.
એટલે નોંધપાત્ર વધારો માંગવામાં આવ્યો છે. ન્યુ ઈન્ડીયા ઈુસ્યોરન્સનાં દાવા રેશીયો ત્રીજા ત્રિમાસીક ગાળામાં 102 ટકાએ પહોંચ્યો છે. તો ડીજીટનો રેશીયો 61 ટકાથી વધીને 65 ટકા થયો હતો. વિપરીતપણે મોટર નુકશાની રેશીયોમાં સતત ઘટાડો છે.
થર્ડ પાર્ટી વિમા પ્રિમીયમ વાહનનાં એન્જીનની સાઈઝ મુજબ નકકી થયુ હોય છે. 1000 સીસીની નાની કારનુ રીન્યુઅલ પ્રિમીયમ 2100 રૂપિયાથી વધીને 2500 થઈ શકે છે. 1500 સીસી સુદીની કારનું પ્રિમીયમ રૂા.3400 થી વધીને 4000 થઈ શકે છે. મોટર કારનાં કાયદા પ્રમાણે વાહનમાં થર્ડ પાર્ટી વિમો ફરજીયાત છે.