જો તમો કેસર કેરીની રાહ જોતા હો તો હવે બસ એક પખવાડિયુ જ તમો આ કેરીનો સ્વાદ માણવાથી દુર છો. કેસર કેરીનો પાક તાલાળા અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો જયાં ‘આંબાના બગીચા’ છે ત્યાં ઉતરવાની માટેની તૈયારી છે અને હજું નિષ્ણાંતો કહે છે કે, એપ્રિલના મધ્યમાં બજારમાં કેરીનો પાક આવી જશે.
આ વર્ષે કેસર કેરીનો પાક બમ્પર થશે તેવી આંબા પર જે રીતે ફુલો અથવા ‘મોર’ બેઠા હતા તે પછી આગાહી કરવામાં આવી હતી. જો કે કયારેક માવઠાની ચિંતા હતી પણ તે ટળી ગઈ છે અથવા હાલ માવઠાની કોઈ આગાહી જ નથી તેથી પાક એવોજ સારો હશે તેવી પણ ગણતરી છે અને મે માસમાં ભરપુર ગરમીની સાથે ભરપુર કેરી ખાઈ શકો તે નિશ્ચિત થઈ જશે.
હાલ અનેક માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક તો શરૂ થઈ છે જે પ્રથમ અથવા વહેલો પાક ગણવામાં આવે છે અને 10 કિલો બોકસનો ભાવ રૂા.3000 થી 4000ની આસપાસ બોલાય છે પણ એપ્રિલના મધ્યથી જ કેસરની સીઝન શરૂ થશે તેથી તેવું નિષ્ણાંતો કહે છે.
કેસર કેરીમાં નવે.થી જાન્યુઆરીમાં જે મબલખ ‘મોર’ બેઠા હતા પણ તેમાં તમામમાં ફળ બેઠા નથી તે પણ વાસ્તવિકતા છે. તેથી પાક એવરેજ કે તેથી થોડો વધુ હશે.
કેસર કેરીના તમામ લોકો ખાઈ શકે તેવા ભાવ તો મે તથા જૂનમાં 10-15 સુધી હોય છે. કયાંક હવે આંબાને ‘ઉમર’ દેખાવા લાગી છે તેથી તેમાં ધાર્યા મુજબનો પાક ઉતરશે નહી.
સૌરાષ્ટ્રમાં 11 જીલ્લામાં કેસર કેરીના આંબાના બગીચા છે જેમાં ગીર-તાલાળાની કેરી સૌથી પ્રખ્યાત છે. જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં પણ કેસરના આંબા છે અને કચ્છની કેરી સિઝનના થોડા છેલ્લા ભાગમાં આવે છે.