સુરત: એક તરફ ઓરેન્જ એલર્ટ હેઠળ શહેરમાં લોકો ગરમીથી પીડાઈ રહ્યા છે. ત્યા બીજી તરફ, વીજ કંપની દ્વારા આપવામાં આવતા વીજ પુરવઠામાં વારંવાર વિક્ષેપથી લોકો હેરાન-રેશાન થઈ ગયા હતા. સુરત અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોને બંધ એસી-ફ્રિજની અસુવિધા ભાગવવાનો વારો આવ્યો હતો. જો કે, વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.
દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ થતા અનેક કારખાનાઓમાં કામ કાજ બંધ કરવાની ફરજ પડી હતી. આ મામલે મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસ પહોંચ્યા હતા. તેમજ ડીજીવીસીએલની ઓફિસ પર પણ હોબાળો કર્યો હતો.
આ અંગે DGVCLના ડિરેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતુ કે, 400 KVની હાઈ વોલ્ટેજ સોર્સ લાઈન ડ્રિપ થઈ ગઈ હતી. સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર(જાંબુઆ)માં રિસ્ટોર કરવા માટે કાર્યવાહી કરી રહ્યા છે. આખા દક્ષિણ ગુજરાતમાં આ સમસ્યા લોકોને હેરાન કરી રહી છે. ખાસ કરીને તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારી મોટાભાગના વિસ્તાર ડાઉન ફેઝમાં છે. સાથે જ એક કલાકમાં સમસ્યા દૂર કરવાની બાંહેધરી પણ આપી હતી.
એક તરફ અસહ્ય ગરમીથી બચવા માટે લોકો સરકારી માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છે. બીજી તરફ, વીજ કંપનીઓની અનિયમિત કામગીરીને કારણે લોકોને ભરઉનાળે વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત, તાપી અને દક્ષિણ ગુજરાત સહિત ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. સુરત, તાપી, ભરૂચ અને રાજપીપળા સહિતના ઘણા વિસ્તારોમાં વીજળી કાપ બાદ, લોકો ટોરેન્ટ પાવર પર પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.