ભારતીય હવામાન વિભાગે ચાલૂ મહિને ગુજરાત સહીત 13 રાજયોમાં તાપમાન નોર્મલથી વધુ રહેવાની તથા લુ ફુંકાવાની ચેતવણી જારી કરી છે. આકરા તાપને કારણે હીટ સ્ટ્રોકનાં કેસો વધી શકે તેમ હોવા છતા દેશની 100 માંથી 68 હોસ્પીટલોમાં આ માટેની પર્યાપ્ત ઈમરજન્સી વ્યવસ્થા ન હોવાનો ખુલાસો થયો છે.
હવામાન વિભાગ દ્વારા ચાલુ વર્ષે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉતર પ્રદેશ, ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ, ઓડીશા, છતીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક તથા તામીલનાડુનાં ભાગો તથા દેશનાં મોટાભાગનાં ક્ષેત્રોમાં તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે.
અત્યાધિક ગરમી-હીટવેવની વધુ સંખ્યા રહેવાની ચેતવણી સાથે આરોગ્ય વિભાગને પણ વધુ તૈયારી રાખવા સુચવ્યુ છે. ત્યારે કેન્દ્ર સરકારનાં જળવાયું પરિવર્તન અને માનસ આરોગ્ય પર રાષ્ટ્રીય કાર્યક્રમ એજન્સી દ્વારા ગરમી-સ્વાસ્થ્ય તૈયારી વિશેનો રીપોર્ટ જારી કર્યો છે.
12 એપ્રિલથી 31 જુલાઈ 2024 દરમ્યાન દેશના જુદા જુદા રાજયોની 5069 સરકારી હોસ્પીટલોમાં ગરમીનો સામનો કરવાની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષામાં એવુ બહાર આવ્યું હતું કે હીટ સ્ટ્રોકનાં કેસોમાં દર્દીઓને તત્કાળ ઠંડા કરવાના હોય છે.
પરંતુ ઈમરજન્સી કુલીંગની સુવિધા માત્ર 32 ટકા હોસ્પીટલોમાં જ હોવાનું માલુમ પડયુ હતું. 68 ટકામાંથી 47 ટકા હોસ્પીટલોમાં જરૂરી નિદાન સુવિધા પણ ઉપલબ્ધ નથી. ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં ગરમીની લપેટમાં આવતા લોકોને વધુ મુશ્કેલી થઈ શકે છે 74 ટકા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં એસી કે કુલર નથી.
આગામી દિવસોમાં ગરમીના પ્રકોપની આશંકા વચ્ચે સ્વાસ્થ્ય સુવિધા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય આવતા સપ્તાહમાં તમામ રાજયો સાથે બેઠક કરનાર છે. બેઠકનો એજન્ડા ગરમી-હીટસ્ટ્રેકની લપેટમાં આવતા લોકોને યોગ્ય સારવાર મળી શકે તેમ છે.