ઇન્ટરનેટ યુગમાં, ઓનલાઇન ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ એક વૈશ્વિક પડકાર તરીકે ઉભરી રહ્યું છે. મંગળવારે ધ લેન્સેટ ચાઇલ્ડ એન્ડ એડોલસેન્ટ હેલ્થમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, વૈશ્વિક સ્તરે ૧૨માંથી એક બાળકે કયારેક ને કયારેક ઓનલાઇન જાતીય શોષણ અથવા ગેરવર્તનનો અનુભવ કર્યો છે. દુનિયાભરમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ સાથે, આવા કિસ્સાઓ ઝડપથી વધારો થઈ રહ્યો છે. ઓનલાઈન ઓનલાઇન ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝમાં ઓનલાઈન ગ્રુમિંગ, પોર્નોગ્રાફી, સેક્સટિંગ, તસવીરો સાથે ચેડાં અને જાતીય શોષણનો સમાવેશ થાય છે.
લેન્સેટમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, આ ગુનાના સ્વરૂપને વધુ સારી રીતે સમજવાના હેતુથી આ પહેલું વિશ્લેષણ છે. અહેવાલ મુજબ, ૨૦૧૦ અને ૨૦૨૩ વચ્ચે અગાઉ હાથ ધરાયેલા ૧૨૩ અભ્યાસોના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં જાણવા મળ્યું છે કે આઠમાંથી એક બાળક (૧૨.૬%) તસવીર-આધારિત શોષણથી, ૨૧માંથી એક બાળક ઓનલાઈન જાતીય શોષણ (૪.૭%)થી જ્યારે ૨૮માંથી એક બાળક જાતીય શોષણ (૩.૫%)થી પ્રભાવિત થયું હતું.
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ એશિયા, ઉત્તર આફ્રિકા અને દક્ષિણ એશિયા જેવા પ્રદેશોમાં આવા વધુ સંશોધનની જરૂર છે. AI ને કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પડતા દબાણ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. લેખકોનું કહેવું છે કે આ અભ્યાસ વિશ્વભરના નીતિનિર્માતાઓ, ડોકટરો અને અન્ય સંશોધકો માટે ખૂબ જ સુસંગત છે.
આ બાબતે વાત કરતા, AIIMS દિલ્હીના મનોચિકિત્સા વિભાગના પ્રોફેસર ડૉ. રાજેશ સાગરે જણાવ્યું હતું કે, બાળકોના ઓનલાઈન જાતીય શોષણના બનાવો વધી રહ્યા છે. હવે આપણે ઇન્ટરનેટ સંબંધિત દુર્વ્યવહારના કિસ્સાઓ પણ જોઈ રહ્યા છીએ અને મોટાભાગના કિસ્સાઓમાં, બાળકોનું જાતીય શોષણ થાય છે. ગંભીર વાત એ છે કે વાલીઓ આ બાબતથી અજાણ છે. આ એક મોટી સમસ્યા બની શકે છે.