જો તમે પણ એટીએમમાંથી રોકડ ઉપાડી રહ્યા છો તો ટૂંક સમયમાં તમારા ખિસ્સા પર ખરાબ અસર પડી શકે છે. હકિકતમાં ભારતીય રિઝર્વ બેંક ગ્રાહકો માટે પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા ઉપરાંતના ટ્રાન્ઝેક્શન પર લાગનારા ચાર્જીસ અન એટીએમ ઇન્ટરચેન્જ ફીને વધારવાની તૈયારી કરી રહી છે.
આ સિવાય એનપીસીઆઇ એ એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. કેશ ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરચેન્જ ફી 17 રૂપિયાથી વધારીને 19 રૂપિયા કરવાની ભલામણ કરવામાં આવી છે, જ્યારે નોન-કેશ ટ્રાન્ઝેક્શન માટે ચાર્જ 6 રૂપિયાથી વધારીને 7 રૂપિયા કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
વાસ્તવમાં, એટીએમ ઇન્ટરચેન્જ ચાર્જ એ રકમ છે જે એક બેંક બીજી બેંકના એટીએમનો ઉપયોગ કરવા માટે ચૂકવે છે. આ ફીની અસર સામાન્ય રીતે ગ્રાહક પર પડે છે, કારણ કે બેંકો ગ્રાહક પાસેથી આ રકમ વસૂલ કરે છે.
રિપોર્ટ અનુસાર, બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટર્સ એનપીસીઆઇના આ પ્રસ્તાવ માટે સંમત થયા છે. આ વધારો માત્ર મહાનગરો પૂરતો મર્યાદિત નહીં હોય, પરંતુ નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ લાગુ થશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ આ મુદ્દે ઈન્ડિયન બેંક્સ એસોસિએશનના સીઈઓ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને એચડીએફસી બેંકના અધિકારીઓનો સમાવેશ કરતી એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ બેંકિંગ ક્ષેત્રના ખર્ચનું મૂલ્યાંકન કર્યા બાદ આ ભલામણ કરી હતી.
બેંકિંગ ક્ષેત્રના નિષ્ણાતો અને એટીએમ ઓપરેટરોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષમાં ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં એટીએમના સંચાલનની કિંમતમાં વધારો થયો છે.
જો કે આ મુદ્દે આરબીઆઈ અને એનપીસીઆઈ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ જો આ પ્રસ્તાવ લાગુ કરવામાં આવે છે, તો એટીએમમાંથી રોકડ ઉપાડનારાઓને તેમના ખિસ્સામાંથી વધુ પૈસા ખર્ચવા પડી શકે છે.