વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહાકુંભ મેળામાં સંગમ આસ્થાની ડુબકી લગાવી હતી અને બાદમાં પ્રયાગરાજમાં પૂજા-અર્ચના પણ કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે આજે સવારે વડાપ્રધાન મોદી ભારે સુરક્ષા વચ્ચે સંગમ ઘાટ ખાતે પહોંચ્યા હતા. લગભગ સેક્ટરમાં વડાપ્રધાનના આગમન પૂર્વે જ ખાસ મેજીસ્ટ્રેટ તેનાત કરીને પ્રતિબંધિત હુકમો અમલી બનાવાયા હતા.
પ્રયાગરાજ પહોંચ્યા બાદ સીધા તેઓ અરૈલ ઘાટ પહોંચ્યા હતા. જ્યાં અગાઉથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર હતા અને બંને મહાનુભાવો એક ખાસ બોટમાં બેસીને સંગમ ઘાટ પહોંચ્યા હતા. અગાઉ વડાપ્રધાન પ્રયાગરાજના એરપોર્ટથી હેલીકોપ્ટર મારફત અરૈલ ઘાટ નજીક ઉતર્યા હતા.
વડાપ્રધાનના આ પ્રવાસને કારણે યાત્રાળુઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે ખાસ જોવામાં આવ્યું હતું અને બાદમાં મોદી અને યોગી આદિત્યનાથ બન્ને સંગમ ઘાટ પહોંચ્યા હતા. મોદીએ જેટી પર ઉભા રહીને માઁ ગંગાને પ્રણામ કર્યા અને બાદમાં પવિત્ર જલનું આચમન લઇને સંગમમાં ડૂબકી મારી હતી.
મોદીએ ભગવા કલરના વસ્ત્રો પહેર્યા હતા. અને હાથમાં રૂદ્રાક્ષની માળા રાખી હતી તેમજ મંત્રોચ્ચાર વચ્ચે ત્રિવેણીની પ્રક્રિમા પણ કરી હતી. જો કે યોગી આદિત્યનાથ આ સમયે વડાપ્રધાનની નજીક હતા પરંતુ તેઓએ ડુબકી મારી ન હતી. મોદી એ બાદમાં પૂજા-અર્ચના પણ કરી હતી અને જળનો અભિષેક કર્યો હતો.
મોદીએ લગભગ એક કલાક સુધી ત્રિવેણી ઘાટ ખાતે પૂજા-અર્ચના કર્યા બાદ કુંભમેળામાં સાધુ-સંતો સાથે પણ મુલાકાત કરી હતી તથા સનાતન ધર્મ અંગે ચર્ચા કરી હતી. મોદીના આગમન પૂર્વે સમગ્ર વિસ્તારમાં જબરો સુરક્ષા બંદોબસ્ત લાદી દેવાયો હતો અને વડાપ્રધાન બાદમાં સીધા દિલ્હી જવા રવાના થયા હતા.