આયુષ્માન વય વંદના કાર્ડ પહેલ હેઠળ 21 જાન્યુઆરી, 2025 સુધી 40.96 લાખ વૃદ્ધોની નોંધણી કરવામાં આવી છે. આયુષ્માન ભારત પ્રધાન મંત્રી-જન આરોગ્ય યોજનાનો લાભ 70 વર્ષ અને તેથી વધુ વયનાં તમામ વૃદ્ધોને આપવાના નિર્ણય પછી, લગભગ ત્રણ મહિનામાં ચાલીસ લાખથી વધુ લોકોએ આયુષ્માન વય વંદના કાર્ડ મેળવ્યાં છે.
આ સાથે આ યોજના હેઠળ 89 હજારથી વધુ હોસ્પિટલમાં પ્રવેશને મંજૂરી આપવામાં આવી છે અને તેનાં માટે 167.48 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
યાદીમાં કેટલી હોસ્પિટલો સામેલ
સ્વાસ્થ્ય મંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, આયુષ્માન ભારત યોજના હેઠળ તમામ સરકારી હોસ્પિટલો યાદીમાં છે, જ્યારે ખાનગી હોસ્પિટલોએ નક્કી કરવાનું છે કે તેઓ આ યોજનામાં જોડાશે કે નહીં.
અત્યાર સુધી આયુષ્માન ભારત યોજના હેઠળ 30 હજારથી વધુ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવે છે, જેમાંથી 13 હજારથી વધુ ખાનગી હોસ્પિટલો છે. જો કે આગામી સમયમાં હોસ્પિટલોની સંખ્યા વધશે.
ખાનગી હોસ્પિટલોમાંથી વધુ અરજીઓ આવી રહી છે. આ યોજના 27 તબીબી વિશેષતાઓ હેઠળ 1.9 હજાર પ્રકારની પ્રક્રિયાઓને આવરી લે છે અને કેશલેસ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડે છે.
આયુષ્માન વય વંદનામાં અત્યાર સુધીમાં કયાં રોગોની સૌથી વધુ સારવાર કરવામાં આવી
આ યોજનાના અમલીકરણ પછી, મોતિયાની શસ્ત્રક્રિયા ટોચનાં પેકેજોમાં પ્રથમ આવે છે જેમાં મોટાભાગનાં વૃદ્ધોને સારવાર મળી છે. આ ઉપરાંત કિડનીની બીમારીથી પીડિત વરિષ્ઠ નાગરિકોને પણ મોટી રાહત મળી છે. ક્રોનિક હેમોડાયલિસિસ રોગથી પીડિત દર્દીઓને પણ ફાયદો થયો છે. આ સાથે ટાઇફોઇડ તાવની સારવાર માટે દર્દીઓને પણ દાખલ કરવામાં આવ્યાં હતાં. સ્ટ્રોક, એક્સિલરેટેડ હાઇપરટેન્શન, ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, ટોટલ ની રિપ્લેસમેન્ટ, હાર્ટ સંબંધિત રોગો પણ પેકેજમાં સામેલ છે. ફેફસાને લગતી બીમારીઓ માટે પણ દાખલ કરવામાં આવ્યાં છે.