ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રાજયના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ, મટીરીયલ રિકવરી ફેસીલિટી, પ્લાસ્ટિક વેસ્ટના રુલ્સ અને નોર્મ્સનું પાલન થાય છે કે નહી તે તમામ મુદ્દે વિગતવાર ડેટા સાથેનો રિપોર્ટ રજૂ કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને હુકમ કર્યો છે. હાઇકોર્ટે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૃલ્સ અને નોર્મ્સનું પાલન ના કરતા હોય તેવા કિસ્સામાં શિક્ષાત્મક કાર્યવાહી કરવા પણ જીપીસીબીને નિર્દેશ કર્યો છે.
આજે રાજયભરમાં પ્લાસ્ટિક વેસ્ટના રુલ્સના ચુસ્તપણે પાલનને લઇ આકરું વલણ અપનાવ્યું હતું. જીપીસીબી તરફથી રાજયના આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલને કરાયેલા ઇન્સ્પેકશન અને મેળવાયેલા ડેટા સાથેનો રિપોર્ટ આજે હાઇકોર્ટમાં રજૂ કરાયો હતો.
જેમાં ગાંધીનગર અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કિસ્સામાં ગંભીર ચૂક સામે આવી હોવાનું જણાવાયું હતું. ભાવનગર કોર્પોરેશનમાં પ્લાસ્ટિક વેસ્ટ સેગરેશનની કોઇ વ્યવસ્થા કે મશીનરી જ નહી હોવાનું સામે આવ્યું હતું.
તો, ગાંધીનગરમાં ત્રણ પૈકીની બે સાઇટમાં વેસ્ટ રિકવરી ફેસીલિટી અને ડમ્પીંગ સાઇટ ઓપરેશનલ નહી હોવાનું સામે આવતાં હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને આવા કસૂરવારો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા જીપીસીબીને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગિરનાર અને બેટ દ્વારકા પ્લાસ્ટિક અને ગંદકી મુકત કરી સ્વચ્છ બનાવવા મુદ્દે એડવોકેટ દ્વારા કરાયેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણી થઈ હતી તેમાં ઉપરોક્ત આદેશ કરાયો હતો. હવે આ કેસની સુનાવણી આગામી 31 જાન્યુઆરી નાં રોજ રાખવામાં આવી હતી.
દરમ્યાન ઓખા નગરપાલિકા દ્વારા હજુ સુધી કન્સ્ટ્રકશન ઓફ મટીરીયલ રિકવરી ફેસીલિટી પરિપૂર્ણ નહી કરાતાં તેમ જ સ્થાનિક પ્લાસ્ટિક વેસ્ટ સહિતનો જોખમી કચરો ખુલ્લામાં એક જગ્યાએ એકત્ર કરાઇ રહ્યો હોવાની વાત ધ્યાન પર આવતાં ચીફ જસ્ટિસે આખો નગરપાલિકા સત્તાધીશોની ભારે આલોચના કરી હતી.
હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયેલા કેટલાક ફોટોગ્રાફ્સને ધ્યાને લઇ હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ફોટોગ્રાફ્સ પરથી સ્પષ્ટ થાય છે કે, બેટ દ્વારકા વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટ ખુલ્લામાં અને તે પણ દરિયાઇ જળ નજીક એકત્ર કરાઇ રહ્યો છે, જેના કારણે બેટ દ્વારકાના દરિયાઇ પર્યાવરણને નુકસાન થઇ રહ્યું છે. આ બાબતને લઇ ઓખા નગરપાલિકા સત્તાવાળાઓની ગંભીર નિષ્કાળજી સામે આવી છે અને એ વાત સ્પષ્ટ થાય છે કે, પ્લાસ્ટિક વેસ્ટ રુલ્સના ચુસ્ત પાલનને લઇ અગાઉ હાઇકોર્ટે જે હુકમ કર્યા છે તેનો સરેઆમ ભંગ થયો છે. હાઇકોર્ટે પ્લાસ્ટિક વેસ્ટ રુલ્સના પાલન માટે અને કન્સ્ટ્રકશન ઓફ મટીરીયલ ફેસીલિટી પૂર્ણ કરવા બાબતે ઓખા ન.પા દ્વારા રોકવામાં આવેલ કોન્ટ્રાકટર નિષ્ઠાપૂર્વક કામ કરે છે કે નહી તે સહિતના મુદ્દે ખુલાસા સાથેનું વ્યકિતગત રીતે સોગંદનામું રજૂ કરવા ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસરને હુકમ કર્યો હતો. કેસની વધુ સુનાવણી તા.31મી જાન્યુઆરીએ મુકરર કરાઇ છે.