વ્યક્તિમાં રહેલાં ગુણોને યાદ કરવા જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. દત્તાત્રેયે સૃષ્ટિમાં હાજર સમગ્ર સમષ્ટિમાંથી જ્ઞાન મેળવ્યું હતું. આત્રેય ઋષિને કોઈ સંતાન ન હતું, તેથી તેમણે દત્તને દત્તક લીધાં હતાં. દત્તા અથવા દત્ત એટલે આપેલું, મેળવેલું અથવા અપનાવેલું. તેથી જ જ્યારે કોઈ બાળક દત્તક લે છે, ત્યારે તેને ‘દત્ત’ કહેવામાં આવે છે. જ્યારે આત્રેય અને અનુસૂયાએ બાળકને દત્તક લીધું ત્યારે તેને ’દત્તાત્રેય’ કહેવામાં આવ્યું હતું.
આ બાળકમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રણેય શક્તિઓ હાજર હતી. ઘણાં લોકોમાં સર્જનાત્મકતા હોય છે, પરંતુ દરેક જણ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતાં નથી. કેટલાક લોકો સારી શરૂઆત કરે છે પરંતુ તેને સતત જાળવી શકતાં નથી. સર્જનાત્મકતા ‘બ્રહ્મશક્તિ’ છે. જો અંદર બ્રહ્મ શક્તિ ન હોય તો આપણે સર્જન કરીએ છીએ પણ તેને કેવી રીતે જાળવી શકાય તે ખબર નથી. કોઈપણ કાર્ય કે વસ્તુને જાળવી રાખવી અને ટકાવી રાખવી એ ‘વિષ્ણુ શક્તિ’ છે.
આપણે ઘણાં એવાં લોકો મળે છે જેઓ સારાં સંચાલકો અથવા પાલક હોય છે. તેઓ બનાવી શકતાં નથી, પરંતુ જો તેમને બનાવવા માટે કંઈક આપવામાં આવે છે, તો તેઓ તેને ઉત્તમ રીતે કરે છે. તેથી, વ્યક્તિમાં વિષ્ણુ શક્તિ એટલે કે સર્જિત અસ્તિત્વને જાળવી રાખવાની શક્તિ હોવી પણ જરૂરી છે.
આ પછી આવે છે ‘શિવ શક્તિ’ જે પરિવર્તન અથવા નવીનતા લાવવાની શક્તિ છે. ઘણાં લોકો એવાં હોય છે જેઓ જે કંઈ ચાલી રહ્યું હોય તેને જાળવી શકે છે, પરંતુ તેઓ જાણતાં નથી કે પરિવર્તન કેવી રીતે લાવવું અથવા તેમાં નવાં સ્તરે કેવી રીતે પહોંચવું. તેથી શિવશક્તિ હોવી પણ જરૂરી છે. આ ત્રણેય શક્તિઓનો સમન્વય એટલે ‘ગુરુ શક્તિ’. ગુરુ અથવા માર્ગદર્શકને આ ત્રણ શક્તિઓનું જ્ઞાન હોવું જોઈએ.
આ ત્રણેય શક્તિઓ દત્તાત્રેયની અંદર હાજર હતી, જેનો અર્થ છે કે તે ગુરુ શક્તિનાં પ્રતીક હતાં. માર્ગદર્શક, સર્જનાત્મકતા, પાલનપોષણ અને પરિવર્તન શક્તિ બધું એકસાથે! દત્તાત્રેયે સમગ્ર સૃષ્ટિનું નિરીક્ષણ કર્યું અને દરેક પાસેથી જ્ઞાન મેળવ્યું હતું.
શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ છે કે ’તે ખૂબ જ રસપ્રદ છે કે કેવી રીતે તેણે હંસને જોયો અને તેની પાસેથી કંઈક શીખ્યાં, તેણે કાગડાને જોઈને પણ કંઈક શીખ્યાં અને તે જ રીતે એક વૃદ્ધ સ્ત્રીને જોઈને તેની પાસેથી પણ કંઈક શીખ્યાં હતાં.’