સ્કેમર્સ વોટ્સએપ પર ડિજિટલ વેડિંગ ઇન્વિટેશનના વધતાં ચલણનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. હિમાચલ પ્રદેશ પોલીસ અધિકારીઓએ ચેતવણી આપી છે કે સ્કેમર્સ આ ડિજિટલ વેડિંગ ઇન્વિટેશન્સનો ઉપયોગ કરી રહ્યાં છે જે વોટસએપ પર શેર કરવામાં આવે છે અને મેલવેયર ફેલાવવા અને વ્યક્તિગત ડેટા સાથે ચેડાં કરે છે. સ્કેમર્સ વેડિંગ ઇન્વિટેશનના નામે દૂષિત એપીકે ફાઇલો વોટસએપ દ્વારા મોકલી રહ્યાં છે.
આ ફાઇલોને ડાઉનલોડ કરવાથી ફોનમાં મેલવેયર વાયરસ આવી શકે છે અને તે હેકર્સને ફોનની સંપૂર્ણ ઍક્સેસ આપી શકે છે. આનાથી ફોન માલિકની જાણ વગર તેનાં ફોનમાંથી સંદેશાઓ મોકલી શકે છે, અંગત માહિતી ચોરી શકે છે અને પૈસા પડાવી શકે છે. જેમ જેમ લગ્નની સીઝન ચરમસીમાએ છે અને ડિજિટલ આમંત્રણો વધુ સામાન્ય બનતાં જાય છે, તેમ તેમ વપરાશકર્તાઓને સાવચેતી રાખવા અને શંકાસ્પદ ફાઇલો ડાઉનલોડ કરવાનું ટાળવા સલાહ આપવામાં આવી છે.
વોટ્સએપ દ્વારા ફેલાયેલી દૂષિત ફાઈલોને લગતાં સાયબર ક્રાઈમમાં થયેલાં વધારાને પગલે, હિમાચલ પ્રદેશ સાયબર પોલીસે નાગરિકોને અજાણ્યાં નંબરો, ખાસ કરીને એટેચમેન્ટ ધરાવતાં સંદેશાઓથી સાવચેત રહેવા કહ્યું છે.
તેઓએ વપરાશકર્તાઓને અજાણ્યાં સ્રોતોમાંથી કોઈપણ ફાઇલો ડાઉનલોડ ન કરવા સલાહ આપી છે, ખાસ કરીને એપીકે ફાઇલો, જેનો ઉપયોગ મેલવેયર ઇન્સ્ટોલ કરવા માટે થાય છે.
હિમાચલ પ્રદેશ રાજ્ય સીઆઇડી અને સાયબર ક્રાઈમ વિભાગના ડીઆઇજી મોહિત ચાવલાએ કહ્યું કે જો તમને કોઈ અજાણ્યાં નંબર પરથી લગ્નનું આમંત્રણ અથવા કોઈ ફાઇલ મળે, તો તેનાં પર ક્લિક કરશો નહીં. ખાતરી કરો કે તમે તમારાં ફોન પર કંઈપણ ડાઉનલોડ કરતાં પહેલાં મોકલનાર અને ફાઇલની ચકાસણી કરો.”
સાઈબર માફીયાની માયાજાળ
આ નવું વોટસએપ કૌભાંડ યુઝર્સને મેલવેયર ડાઉનલોડ કરવા માટે ફસાવવા માટે નકલી લગ્નનાં આમંત્રણોનો ઉપયોગ કરે છે. આ કૌભાંડમાં લગ્નનાં આમંત્રણના વેશમાં જોડાયેલ એપીકે ફાઇલ સાથે અજાણ્યાં નંબર પરથી મેસેજ મેળવવાનો સમાવેશ થાય છે. એકવાર ફાઈલ ડાઉનલોડ થઈ જાય પછી, દૂષિત ફાઇલ એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે છે.
જે સાયબર અપરાધીઓને પીડિતના ડેટાની ઍક્સેસ આપે છે, જે તેમને પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવાની અને ફોનનાં કાર્યોને હાઇજેક કરવાની મંજૂરી આપે છે. કેટલાક કિસ્સાઓમાં, સ્કેમર્સ પીડિતાનો ઢોંગ કરવા માટે ચેડાં કરેલ ઉપકરણનો ઉપયોગ કરે છે અને નાણાં અથવા સંવેદનશીલ માહિતીની વિનંતી કરતાં તેમનાં કોન્ટેક્ટના લોકો સંદેશા મોકલે છે. આના પરિણામે નોંધપાત્ર નાણાકીય નુકસાન અને પ્રતિષ્ઠાને પણ નુકસાન થઈ શકે છે.