પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા અને 40 લોકો ઘાયલ થયા. ક્વેટાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક મોહમ્મદ બલોચે કહ્યું કે જે 25 લોકોના મોતની પુષ્ટિ થઈ છે તેમાં પાકિસ્તાની સેનાના 14 સૈનિકોનો સમાવેશ થાય છે. ક્વેટાના મુખ્ય રેલવે સ્ટેશન પર વિસ્ફોટની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે સેંકડો લોકો પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઈ રહ્યા છે, ત્યારે જોરદાર વિસ્ફોટ થાય છે અને અફડાતફડી મચી જાય છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સ્ટેશનની છત ઉડી ગઈ હતી અને પ્લેટફોર્મ પર મૃતદેહો વિખરાયેલા જોવા મળે છે. ઘાયલોમાં ઘણાની હાલત નાજુક છે. જિયો ટીવી અનુસાર, આ બ્લાસ્ટ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
પાકિસ્તાન તેના ઉત્તર-પશ્ચિમમાં આતંકવાદી હુમલામાં વધારો અને દક્ષિણમાં વધી રહેલા અલગતાવાદી બળવાથી ઝઝૂમી રહ્યું છે. ક્વેટાના એસએસપી મોહમ્મદ બલોચે કહ્યું, ‘રેલ્વે સ્ટેશનની અંદર વિસ્ફોટ ત્યારે થયો જ્યારે પેશાવર જતી એક્સપ્રેસ તેના ગંતવ્ય માટે રવાના થવાની હતી. બલૂચ લિબરેશન આર્મીએ આ વિસ્ફોટની જવાબદારી લીધી છે. બલૂચ લિબરેશન આર્મી (બીએલએ) એ જણાવ્યું હતું કે આ હુમલામાં જાફર એક્સપ્રેસ ટ્રેનમાં સવાર સૈન્ય કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા જ્યારે તે સ્ટેશન છોડવાની તૈયારી કરી રહી હતી.
આ ઘટનાથી રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થયું છે. આ પછી અધિકારીઓએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. બલૂચ લિબરેશન આર્મીના પ્રવક્તા ઝિઆન્દ બલોચે કહ્યું, ‘અમે ક્વેટા રેલવે સ્ટેશન પર થયેલા વિસ્ફોટની જવાબદારી સ્વીકારીએ છીએ. આજે સવારે, ક્વેટા રેલ્વે સ્ટેશન પર પાકિસ્તાની આર્મી યુનિટને નિશાન બનાવીને આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે સૈનિકો ઇન્ફન્ટ્રી સ્કૂલમાં અભ્યાસક્રમ પૂરો કરીને જાફર એક્સપ્રેસ દ્વારા પરત ફરી રહ્યા હતા. આ હુમલો BLAના આત્મઘાતી યુનિટ માજિદ બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો હતો. વધુ માહિતી ટૂંક સમયમાં મીડિયાને જાહેર કરવામાં આવશે.