- અંક્લેશ્વરની કંપનીમાં બનેલું ડ્રગ્સ મુંબઈ-સુરત વેચાતુ
- લેબ ટેક્નિશિયન-કેમિસ્ટ સાથે મળી એચ.આરનું ડ્રગ રેકેટ
- 430 કિલો જેટલા શંકાસ્પદ માદક પદાર્થનાં જથ્થા મળ્યા
- 2 કરોડથી વધુનાં ડ્રગ્સ સાથે 4 આરોપીઓને પકડી પાડ્યા
- સુરત ક્રાઈમબ્રાંચ, SOG તથા ભરૂચ SOGનું સંયુક્ત ઓપરેશન
સુરતનાં વેલંજા ગામ રંગોલી ચોકડી નજીકથી 2 કિલોથી વધુ MD ડ્રગ્સ મળી આવતા સુરત પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને અંક્લેશ્વરની કેમિકલમાં ચાલતુ ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં ખુબ જ પ્રખ્યાત વેબ સિરિઝ બ્રેકિંગ બેડની જેમ લેબ ટેક્નિશિયન પોતે જ ડ્રગ બનાવાનું વિચારીને વેપલો શરૂ કરી દીધો હતો. દરમિયાન ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર GIDCમાં આવેલ અવસર એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરી માંથી દોઢસો ગ્રામ MD ડ્રગ્સ તથા 430 કિલોગામ જેટલા શંકાસ્પદ માદક પદાર્થનાં જથ્થા સાથે કુલ 4 આરોપીઓને બે કરોડથી વધુનાં ડ્રગ્સ સાથે પકડી પાડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ સુરત ક્રાઈમબ્રાંચ અને સુરત ગ્રામ્ય SOG તથા ભરૂચ SOG દ્વારા કરવામાં આવ્યો.
સુરત શહેરમાં યુવાધન નશાના રવાડે ના ચઢે તથા શહેરમાં નશાયુકત માદક પદાર્થનુ વેચાણ નેસ્તનાબુદ કરવા NO DRUGS IN SURATCITY અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફીયાઓ તથા તેમની ગેંગના સીન્ડીકેટ સભ્યોને પકડી પાડવા બાબતે સુરત પોલીસ સતત કામગીરી કરી રહી છે. ત્યારે આ બાબતે અત્યાર સુધીમાં સુરત SOG, DCB સહિતની પોલીસની અલગ અલગ ટિમો દ્વારા અનેક ઇસમોને પકડવામાં આવ્યા છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના જણાવ્યાનુસાર, સુરત ક્રાઈમબ્રાંચની ટીમો વર્કઆઉટમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે, 20/10/2024નાં રોજ વિશાલ પટેલ નામના ઇસમે અંકલેશ્વર GIDC એસ્ટેટ અવસર એન્ટરપ્રાઇઝ નામની ફેકટરીમાં એમ.ડી. ડ્રગ્સનો જથ્થો બનાવી તેના માણસો મોન્ટુ પટેલ તથા વિરાટ પટેલ તથા વિપુલ પટેલ એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લઇ સ્કોડા ફોરવ્હીલ ગાડી નંબર GJ-16-DK-3299માં સાંજના છ વાગ્યાના અરસામાં રાજ હોટલ થઇ વેલંજા ગામ રંગોલી ચોકડી તરફ જતા રોડ ઉપર થઇ પસાર થવાના છે.
આ બાતમીના આધારે બાતમીની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અધિક્ષક સુરત ગ્રામ્ય તથા પોલીસ અધિક્ષક ભરૂચ સાથે સંકલનમાં રહી સુરત ક્રાઇમ બ્રાન્ચની બે અલગ અલગ ટીમો અંકલેશ્વર તથા વેલંજા ગામ રંગોલી ચોકડી રવાના રવાના થઈ હતી. તુઆરબદ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલ વેલંજા ગામની સીમમા રાજ હોટલથી રંગોલી ચાર રસ્તા તરફ જવાનાં રોડ તરફ જાહેરમાંથી મોન્ટુ દિલીપભાઇ પટેલ, વિરાટ હસમુખભાઇ પટેલ, વિપુલકુમાર જયંતિભાઇ પટેલને 2 કિલો 31 ગ્રામ ડ્રગ્સ, તેમજ એક સ્કોડા કાર સાથે ઝડપી પાડ્યા હતા. ડ્રગ્સની કિંમત રૂપિયા 2,03,10,000 હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ ત્રણેય સામે NDPS એક્ટ હેઠળ કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
તો બીજી તરફ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ તથા ભરૂચ જિલ્લા એસ.ઓ.જી. પોલીસની ટિમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર GIDCમાં અવસર એન્ટરપ્રાઈઝ ફેક્ટરીમાંથી આરોપી વિશાલ મુકુંદભાઈ પટેલને 141 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. ઉપરાંત શંકાસ્પદ માદક પદાર્થ ફૂલ વજન 426.95 કિલોગ્રામ છે તેને ચકાસણી માટે FSLમાં મોકલવામાં આવ્યો છે. આ બાબતે ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં NDPS એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
આ રીતે સુરત પોલીસ દ્વારા ઓપરેશન પાર પડાયું
વેલંજા ગામ રંગોલી ચોકડી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલમાં 2.032 કિલો MD, 33800 રૂપિયા રોકડા, 4 મોબાઈલ, એક સ્કોડા કાર સહિત કુલ 2,16,22,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અંકલેશ્વર GIDC માં અવસર એન્ટરપ્રાઈઝ ફેક્ટરીમાંથી કબ્જે કરેલ મુદ્દામાલમાં 141 ગ્રામ MD, 427.95 કિલો અન્ય શંકાસ્પદ માદક પદાર્થ જપ્ત કરાયો છે.
અંકલેશ્વર GIDCમાં આવેલ અવસર એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરીમાં પકડાયેલ વિશાલ પટેલનાં કહેવાથી મોન્ટુ પટેલ તથા વિરાટ પટેલ કે જેઓ બન્ને કેમિકલ પ્રોસેસનાં જાણકાર હોય તેઓએ આ ફેક્ટરીમાં માદક પદાર્થ એમ.ડી. ડ્રગ્સ બનાવી સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા વિરાટ પટેલનાં માસીના દિકરા પલક પટેલને આપતો હતી. પલક સુરતથી મુંબઈ ખાતે કોઈ પાર્ટીને MDનું વેંચાણ કરવાના હતા. આ અગાઉ બે વખત પલક પટેલ મારફતે મુંબઈ ખાતે બે કિલોગ્રામથી વધુનું એમ.ડી.ડ્રગ્સ વેંચાણ આ ઈસમોએ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.